સુરતના કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ગત 3 નવેમ્બરે સોમવારે કામરેજ રોડ પરની ડેરા ખાડી નજીકથી ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાયો મેડિકલ વેસ્ટ બેગના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. શિશુને સારવાર માટે કામરેજ આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા બાદ મૃત જાહેર કરાયું હતું.નવજાત શિશુ મળ્યા બાદ 108 દ્વારા તેને તાત્કાલિક કામરેજ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યું હતું, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા, જેમાં એક બાઈક સવાર દેખાયો હતો. કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક મોટો ઘટસ્ફોટ થયો.
પોલીસને ઘટનાસ્થળેથી મળી આવેલી બાયો મેડિકલ વેસ્ટ બેગ આરોપી સુધી પહોંચવા માટે મહત્વની કડી સાબિત થઈ.આ બાયો મેડિકલ વેસ્ટ બેગ કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્રની હોવાનું સામે આવ્યું. પોલીસે આરોગ્ય કેન્દ્રના સીસીટીવી ફૂટેજ તપાસતા, ઘટના પહેલા એક પુરુષ અને એક બાળકી આ બેગ લઈને નીકળતા જોવા મળ્યા હતા.આ ફૂટેજ અને બાયો વેસ્ટ બેગના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, નવજાત બાળકને જન્મ આપનાર યુવતી પર તેના પાલક પિતાએ દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી. પોલીસે આ નરાધમ પાલક પિતાને ઝડપી પાડ્યો છે.સુરત રૂરલ SP રાજેશ ગઢીયાએ કહ્યું કે આ ઘટનામાં વધુ ચોંકવનારી વાત એ સામે આવી છે કે આ દીકરી 14-15 વર્ષની હતી ત્યાંથી પાલક પિતા તેનું શોષણ કરતો હતો. દીકરીની અન્ય ફરિયાદ લઈ બળાત્કાર અને પોક્સો મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ બન્ને ગુનામાં તમામ પુરાવાઓ ભેગા કરીને આરોપીને કડકમાં કડક સજા થાય એવા પ્રયાસો કરી રહી છે અને નામદાર કોર્ટમાં જલ્દી જ ચાર્જશીટ રજૂ કરવામાં આવશે.આ દીકરીને પેટમાં દુખાવો થાય છે એવા બહાને CHCમાં લઈ ગયા હતા, ત્યારબાદ એ લોકોએ લેગ પ્રકરના બહાના બતાવીને દવા લીધી હતી. ત્યારબાદ બાળકનો જન્મ થતા તાત્કાલિક આ લોકોએ બાળકને એક બેગમાં છુપાવી દીધું હતું. ત્યારબાદ આ નંદશાળ વાળા રોડ પર બાઈક પર આવીને બાળકને ફેંકી દીધું હતું.


