અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી, આ વખતે ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ઘટાડો

અમરનાથ યાત્રા માટે લોકો આજે જમ્મુથી રવાના થઈ રહ્યા છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપી છે. યાત્રીઓ બપોર બાદ કાશ્મીર ઘાટી પહોંચશે, જોકે, મોટાભાગના લોકોની યાત્રાની શરૂઆત કાલથી થશે. 38 દિવસ ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલાટાલ બંને રૂટથી થશે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ (NH-44) સહિતના રૂટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. યાત્રાનું સમાપન 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસથી થશે. 

LG મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી

કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે યાત્રીઓના પહેલો સમૂહ જમ્મુથી રવાના થઈ ગયો છે. યાત્રી નિવાસ ભગવતી નગર, જમ્મુથી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પહેલાં સમૂહને લીલી ઝંડી બતાવીને રવાના કર્યા છે. 

કોઈ પણ જોખમ ભક્તોની શ્રદ્ધાને ડગમગાવી નહીં શકે: LG

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, જેમણે જમ્મુના તાવી રિવરફ્રન્ટ ખાતે ‘તાવી આરતી’માં ભાગ લીધો હતો, તેમણે મંગળવારે કહ્યું કે, આજે આખી દુનિયા અમરનાથ યાત્રા પર નજર રાખી રહી છે અને કોઈ પણ જોખમ ભક્તોની શ્રદ્ધાને ડગમગાવી નહીં શકે.’ LG સિન્હાએ દાવો કર્યો હતો કે આ વર્ષની અમરનાથ યાત્રા પાછલા બધા વર્ષો કરતાં વધુ ઐતિહાસિક હશે અને તેમના માટે તે જમ્મુ અને કાશ્મીરના પ્રાચીન ગૌરવને પુનઃસ્થાપિત કરવાની તક છે.

યાત્રામાં ગુજરાતીઓની સંખ્યામાં ઘટાડો

બાબા બર્ફાનીના દર્શન માટે અમરનાથ યાત્રાનો આગામી 3 જુલાઈથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા તેમજ આ વખથી હેલિકોપ્ટર સુવિધા બંધ રાખવામાં આવી હોવાથી ગુજરાતથી યાત્રાળુઓમાં 8 ગણાથી વધુનો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાંથી આ વખતે પાંચ હજાર જેટલા જ શ્રદ્ધાળુઓ અમરનાથમાં દર્શન કરવા જાય તેવી સંભાવના છે.

પહલગામ હુમલાને લઈને ઘટ્યું રજિસ્ટ્રેશન

9 ઓગસ્ટ સુધી યોજાનારી અમરનાથ યાત્રામાં 3.50 લાખથી શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ, એપ્રિલમાં પહલગામ પ્રવાસીઓ પરના આતંકી હુમલા બાદ અમરનાથ માટે રજિસ્ટ્રેશન કરાવનારા યાત્રાળુઓની સંખ્યા ઘટીને 85 હજાર થઈ ગઈ છે. ગત વર્ષે અમરનાથ યાત્રામાં 5.10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા હતા, જે છેલ્લાં એક દાયકામાં સૌથી વધુ હતા. સામાન્ય રીતે વિવિધ સંઘો ગુજરાતથી અમરનાથ યાત્રાએ જતા હોય છે. આ વખતે આવા સંઘોમાં પણ ઘટાડો નોંધાયો છે. 

અમરનાથ યાત્રાએ જતા અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશનની આ પ્રક્રિયા એપ્રિલથી જ શરૂ થઈ જતી હોય છે. રજિસ્ટ્રેશન વખતે હેલ્થ સર્ટિફિકેટ પણ આપવું પડે છે. અમદાવાદની “સિવિલ હોસ્પિટલમાં હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની વ્યવસ્થા હતી. જેના અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, ‘અમરનાથ યાત્રા માટે વર્ષ 2023માં 455, વર્ષ 2024માં 430 સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. જેની સરખામણીએ આ વખતે અત્યારસુધી 234 હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ જાહેર થયા છે. અરજદારને હૃદય, શ્વાસ સહિતની કોઈ સમસ્યા નથી કે કેમ તે ચકાસીને અમારી ટીમ દ્વારા આ હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે.’

ટૂર ઓપરેટરોએ શું કહ્યું? 

બીજી તરફ ટૂર ઓપરેટરોના મતે અમરનાથ યાત્રા માટે સામાન્ય રીતે દરરોજની 50થી વધુ ઈન્ક્વાયરી આવતી હોય છે. જેના બદલે આ વખતે પહલગામના આતંકી હુમલા બાદ ઈન્ક્વાયરીનું પ્રમાણ ઘટીને માંડ 1-2 થઈ ગયું છે. અપર મિડલ ક્લાસના અનેક લોકો અમરનાથને સ્થાને આ વખતે કૈલાસ માનસરોવર યાત્રા પર વધુ પસંદગી ઉતારી રહ્યા છે. 6 વર્ષ માટે યોજાઈ રહેલી કૈલાસ માનસરોવર યાત્રા માટે 12 થી 14 દિવસ માટે રૂપિયા અઢી લાખથી વિવિધ પેકેજ હોય છે.

શ્રદ્ધાળુઓએ યાત્રાના મહિના પહેલા નિયમિત 2-3 કિલોમીટર ચાલવું જરૂરી

અમરનાથ યાત્રા માટે વિવિધ ગાઈડલાઈન્સ જાહેર કરી દેવામાં આવી છે. જેના અનુસાર યાત્રા હોય તેના એક મહિના અગાઉથી જ શ્રદ્ધાળુઓએ નિયમિત 2-3 કિલોમીટર ચાલવાનું શરૂ કરી દેવું જોઈએ. નિયમિત રીતે પ્રાણાયામ અને હળવા યોગ કરવામાં આવે. ડિહાઈડ્રેશન અને માથાનો દુઃખાવો થાય નહીં માટે દરરોજ ઓછામાં ઓછું પાંચ લીટર પાણી પીવું જરૂરી છે.

FOLLOW US
  • Related Posts

    સુરતનો સ્માર્ટ દોર!

    અલથાણમાં દેશનું પ્રથમ હાઈટેક બસ સ્ટેશન શરૂ, જાણો તેની ખાસિયતસુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ ખાતે દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ સ્ટેશન’ બનાવવામાં આવ્યું છે, જે ગ્રીન એનર્જી અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક છે.…

    FOLLOW US

    કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે

    સુરતમાં ડોગ લાઇસન્સ માટે ચેરમેન-પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત; 1000થી વધુ પેટ ડોગ માલિકોને નોટિસ સુરતમાં તમે કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે. સુરતમાં ડોગ લાઇસન્સ માટે સોસાયટી…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *