
કરાચીથી કચ્છના સહદેવ સાથે 6 મહિના સુધી રાત-દિવસ ચેટ કરતી રહી, ગુડ મોર્નિંગથી ગદ્દારી સુધીની ઇનસાઇડ સ્ટોરી
ભારતમાં રહી ભારત સાથે ગદ્દારી કરી દુશ્મન દેશ પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલા કચ્છના સહદેવસિંહ ગોહિલની ધરપકડ કરાયા બાદ તે પાકિસ્તાની જાસૂસી એજન્સી સાથે કઈ રીતે સંપર્કમાં આવ્યો અને કેટલા સમયથી સંપર્કમાં હતો? સહદેવસિંહને કયા પ્રકારની માહિતી માટે કામ સોંપાતું હતું અને અત્યારસુધી સહદેવસિંહે કેવી કેવી માહિતી મોકલાવી છે એ વિગતો જાણવા માટે ‘દિવ્ય ભાસ્કરે’ ગુજરાત ATSના એસપી કે. સિદ્ધાર્થ સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી.
આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાસ્કરને જણાવ્યું હતું કે સહદેવસિંહ ગોહિલ અને થોડા દિવસ પહેલાં જ પાકિસ્તાન માટે જાસૂસી કરતા ઝડપાયેલી હરિયાણાની યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાનો કેસ એકસમાન છે.

સવાલઃ અદિતિ ભારદ્વાજ છે તે પુરુષ છે કે સ્ત્રી? જવાબઃ એ મહિલા છે અને તેણે સહદેવસિંહ ગોહિલને કેટલાક ફોટોગ્રાફ પણ મોકલ્યા હતા. જોકે હજી સ્પષ્ટ નથી થયું કે તે ફોટો તેના જ છે કે અન્યના છે, પણ, સહદેવસિંહ સાથે વાતચીત કરનાર મહિલા છે એ સ્પષ્ટ છે.
સવાલઃ તેઓ વચ્ચે કોઈ વાતચીત થતી હતી? જવાબઃ એ બંને વ્હોટસ્એપ પર ચેટ અને વીડિયો કોલથી સંપર્કમાં રહેતાં હતાં.
સવાલઃ અદિતિ ભારદ્વાજનું લોકેશન કયું છે? જવાબઃ અદિતિ ભારદ્વાજ દ્વારા બે નંબર પરથી વ્હોટસ્એપ પર સહદેવસિંહ ગોહિલ સાથે વાતચીત થતી હતી અને બંને નંબરનું IP એડ્રેસ પાકિસ્તાનમાં ટ્રેસ થયું છે.
સવાલઃ પાકિસ્તાનમાં કોઈ ચોક્કસ લોકેશન જણાવી શકો? જવાબઃ હા, જે IP એડ્રેસ છે એ કરાચી અને રાવલપિંડીનાં હતાં.
સવાલઃ અદિતિ ભારદ્વાજે ખોટું નામ ધારણ કર્યું હતું? જવાબઃ ચોક્કસ, તેણે ખોટું નામ ધારણ કર્યું હતું, તેણે શરૂઆતમાં પોતાને અદિતિ ભારદ્વાજ તરીકે ઓળખ આપી હતી અને સહદેવસિંહ સાથે વાતચીત શરૂ કરી હતી. એકવાર જ્યારે બંને વચ્ચે વિશ્વાસ કેળવાઈ ગયો ત્યાર બાદ તેણે પોતાના ઈરાદા સહદેવસિંહને સ્પષ્ટ કરી દીધા હતા. તેણે પાકિસ્તાનની જાસૂસીનો પ્લાન શેર કર્યો અને સહદેવસિંહ એમાં સામેલ થવા તૈયાર થયો હતો.
સવાલઃ અદિતિ ભારદ્વાજે કેવા પ્રકારની માહિતી મગાવતી હતી? જવાબઃ અદિતિ ભારદ્વાજ દ્વારા સહદેવસિંહ ગોહિલ પાસેથી નેવી, એરફોર્સ, આર્મીના નિર્માણાધીન બિલ્ડિંગ કે નવનિર્મિત બિલ્ડિંગના ફોટોગ્રાફ, લોકેશન અને માહિતી મગાવતી હતી.
સવાલઃ સહદેવસિંહને દયાપરમાં રોકડથી પેમેન્ટ કરાયું હતું, તો શું વધુ લોકો સંડોવાયેલા હોય શકે? જવાબઃ હા, અમે એક વર્ષમાં આવા પાંચથી છ કેસ બહાર લાવ્યા છીએ, જેમાં આ જ મોડસ ઓપરેન્ડી સામે આવી છે.
સવાલઃ આ મોડસ ઓપરેન્ડી શું છે? જવાબઃ પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ ઓફિસર હંમેશાં સરહદી વિસ્તારમાંથી લોકોને ફસાવવાની કોશિશ કરતા હોય છે. પાકિસ્તાની એજન્ટ પાસે ભારતીય લોકોના ડેટાબેઝ અને ફોનનંબર છે, જેની ઉપર આ એજન્ટ્સ મેસેજીસનો મારો ચલાવે છે.
સવાલઃ શું બંનેમાં કંઈ રોમેન્ટિક ઇન્વોલ્વમેન્ટ હતું? જવાબઃ શરૂઆતમાં જ્યારે તે સહદેવસિંહને વિશ્વાસમાં લેવા માગતી હતી ત્યારે બંનેનું રિલેશનશિપ રોમેન્ટિક હતું. વિશ્વાસ જીત્યા બાદ તેણે પોતાની વિશે સહદેવસિંહને જણાવ્યું.
સવાલઃ જ્યોતિ અને સહદેવસિંહના કેસમાં કોઈ સામ્યતા છે? જવાબઃ કોન્ટેક્ટ કરનારી વ્યક્તિ પાકિસ્તાની એજન્ટ જ હોય છે. જ્યોતિ મલ્હોત્રા અને સહદેવસિંહ સાથે જેણે સંપર્ક કર્યો તે પાકિસ્તાની જાસૂસ બંને એક નથી, પણ તેની મોડસ ઓપરેન્ડી સરખી છે.
સવાલઃ અદિતિ ભારદ્વાજે કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હોઈ શકે? જવાબઃ ચોક્કસ આંકડો ખબર નથી, પણ અદિતિએ અનેક લોકોને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી છે.
સવાલઃ અદિતિ કેવા પ્રકારના લોકોને ટાર્ગેટ કરતી હતી? જવાબઃ અદિતિ સરકારી કામના કોન્ટ્રેક્ટમાં જે કામ કરતા હોય તેવા લોકોને ટાર્ગેટ કરતી હતી. સરકારી કોન્ટ્રેક્ટમાં જે લોકો કામ કરતા હોય તે લોકોના નંબરનો ડેટા કોઈપણ રીતે પાકિસ્તાની જાસૂસી એજન્સીએ મેળવી લીધો છે. આ બધા લોકોને પાકિસ્તાની જાસૂસી એજન્સી ઢગલાબંધ મેસેજ કરે છે. જે પોઝિટિવ રિપ્લાય કરે તેની સાથે સંબંધ આગળ વધારે છે.
સવાલઃ શું અદિતિ અને સહદેવસિંહ ગોહિલના વ્હોટ્સએપ, ફેસબુકમાં થયેલી ચેટ્સના પુરાવા મળ્યા છે? જવાબઃ હા, IP પાકિસ્તાનનું છે અને એના પરથી કહી શકીએ છીએ કે તે પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓફિસર છે.
સવાલઃ એ લોકો વચ્ચે દરરોજ કેવા પ્રકારની વાતચીત થતી હતી? જવાબઃ દરરોજ એ લોકો વચ્ચે હાય હલ્લો થતી હતી અને સુખદેવસિંહ વધારે મેસેજ કરતો હતો. ઘણા બધા મેસેજ ડિલિટ કરી દેવામાં આવ્યા છે. અમે ઘણા મેસેજ પરત મેળવ્યા છે. તમામ મેસેજ રિકવર કરવામાં ટેક્નિકલ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે.
સવાલઃ કેટલા મહિનાથી આ લોકો વચ્ચે વાતચીત થતી હતી.? જવાબઃ ચોક્ક્સ સમય નથી મળ્યો, પણ છથી સાત મહિનાથી બંને વચ્ચે વાતચીત થતી હતી. ત્યાર બાદ અદિતિ સહદેવસિંહ પાસેથી સેન્સેટિવ વીડિયો અને ફોટો માગતી હતી, જે સહદેવસિંહને જ્યારે પણ સમય મળતો ત્યારે બનાવીને મોકલતો હતો.
યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રા જેવો જ PAK માટે જાસૂસીનો કેસ ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતી વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ સહદેવસિંહ ગોહિલ છે, જે કોન્ટ્રેક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થવર્કર તરીકે કાર્યરત હતો. તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતાં ઝડપાયો છે. તે પાકિસ્તાનને BSF અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વીડિયો મોકલતો હતો. આ અંગે ભાસ્કરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રા જેવો જ PAK માટે જાસૂસીના કેસનો ગુજરાત ATSએ પર્દાફાશ કર્યો છે