
મોરાભાગળના યુવકે ૨.૮૦ લાખ રૂ. મેળવવા ગીરવે મૂકેલી રૂ. ૧૦ લાખની સ્કોડા કાર વ્યાજખોરે બારોબાર વેચી મારી હતી. કાર પરત માંગતા માથાભારે વ્યાજખોર નવાઝ ઉર્ફ મામુ પઠાણે યુવકને મારી નાંખવાની ધમકી આપતા મામલો અઠવા પોલીસ મથકમાં પહોંચ્યો છે.
અઠવા પોલીસના જણાવ્યા મુજબ મોરાભાગળ ભાણકી સ્ટેડિયમ નજીક સનસિટી રેસિડન્સીમાં રહેતા અને વ્યવસાયે જમીનદલાલી અશરફ રસુલખાન પઠાણને ઓગસ્ટ ૨૦૨૩માં નાણાંની જરૂર પડી હતી. તે માટે તેણે પત્નીના નામે લીધેલી કારને ગીરવે મૂકી નાણાંની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું હતું. સ્કોડા કાર (નં.જીજે ૫ આરએમ ૩૧૩) તેણે વ્યાજનો ધંધો કરતા નવાઝ ઉર્ફે મામુ પઠાણ (રહે. નૂરે ઇલાહી ટેનામેન્ટ, ગોરાટ, રાંદેર) પાસે ગીરવી મૂકી હતી. ૧૦ લાખની કારની ઓરિજનલ આરસી બુક, બે ચાવી આપીને તેણે રૂ. ૨.૮૦ લાખ મેળવ્યા હતા. એ સમયે નક્કી થયું હતું કે, ત્રણ માસ પછી નાણાં પરત કરી દેશે અને જે હાલતમાં છે, એ મુજબ જ કાર પરત કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં નાણાંની વ્યવસ્થા થઈ જતાં નવાઝને રકમ પરત આપવા અશરફ તેના ઘરે પહોંચ્યો હતો. નવાઝે એ સમયે કામમાં હોવાનું કહીને દસ દિવસ પછી તમારી કાર પરત મળશે એમ કહી વાત ટાળી હતી. નવાઝ પાસે ફરીવાર કારની માંગણી કરતાં આ વખતે તેણે કહ્યું કે કાર હાલ જૂનાગઢમાં છે. જૂનાગઢ તપાસ કરતાં આ કારને અમદાવાદ વેચી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. નવાઝ પાસે કાર આપવાનું કહેતા જ તેણે ધમકી આપી હતી કે તારી કાર તને પરત મળશે નહીં, તાર જે કરવું હોય એ કરી લે. બનાવ અંગે અઠવા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.