
સુરતમાં એક વધુ ચકચારી ઘટના સામે આવી છે, જેમાં વરીયાવ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના સમયે બ્રિજ પાસેથી પસાર થતા કેટલાક સ્થાનિક નાગરિકોએ આ દ્રશ્ય જોતા તાત્કાલિક રીતે ફાયર વિભાગને જાણ કરી હતી. યુવક પારિવારિક તણાવના કારણે માનસિક રીતે પરેશાન હતો અને આત્મહત્યાનું કડવું પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ તરત જ ડભોલી ફાયર સ્ટેશનની ટીમ એક્શનમાં આવી હતી. ફાયર જવાનોએ યોગ્ય તકેદારી અને સતર્કતા સાથે યુવકને તાપી નદીમાંથી બચાવી લીધો હતો.
પારિવારિક ઝઘડામાં આપઘાતનો પ્રયાસ
બચાવ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, યુવકને સિંગણપોર પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા યુવકની ઓળખ તથા તેની સ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું સારવાર માટે ભરતી કરાયું છે. ફાયરના જવાનોએ જે રીતે જીવની પરવાનાં લીધા વિના તરત જ પ્રવૃત્તિ કરીને યુવકનો જીવ બચાવ્યો છે, તે પ્રશંસનીય છે. આ ઘટનાએ ફરી એકવાર આપઘાત જેવું પગલું ભરી લેતા પહેલા યોગ્ય માર્ગદર્શન અને માનસિક સહારાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે.
તાપીના મધ્યમાંથી બચાવાયો
ફાયર અધિકારી અક્ષય પટેલના જણાવ્યા અનુસાર કોલ મળતાં જ બ્રિજ નીચે પહોંચીને તાપી નદીના મધ્યમાં ઝંપલાવેલા યુવકને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ સિંગણપોર પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને યુવકના પરિવારજનોનો સંપર્ક કરીને વધુ વિગતો મેળવી રહી છે. પ્રાથમિક તારણ અનુસાર પારિવારિક મતભેદ કે મનોયાતનાઓને કારણે યુવક પગલાં ભરી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.