
PM… હવે છોકરાઓ માટે કાયદો બનાવો, વીડિયોમાં વેપારીએ પૂર્વ પત્નીના પ્રેમથી લઈને મરવા મજબૂર કર્યાનું રડીને વર્ણન કર્યું
સુરતના મોટા વરાછામાં એક વેપારી યુવાને પૂર્વ પત્ની અને તેના પ્રેમીના ટોર્ચરથી આપઘાત કરી લીધાનો કિસ્સો સામે આવ્યો છે. આપઘાત બાદ મળેલી સુસાઇડ નોટ અને મૃતકે બનાવેલા અંતિમ વીડિયો આધારે પોલીસે પૂર્વ પત્ની શીતલ, તેના પ્રેમી અને તેના 10 સ્ત્રી-પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. એ પૈકી શીતલ અને મોહસિનની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 10 આરોપીની શોધખોળ હાથ ધરી છે.
જયદીપે આપઘાત પહેલાં બનાવેલો અડધા કલાકનો વીડિયો ખૂબ જ હૃદયદ્રાવક છે. શીતલ સાથે પ્રેમ કરવાથી લઈને તેને મરવા મજબૂર કર્યો ત્યાં સુધીનું તેણે રડતાં રડતાં વર્ણન કર્યું છે. આ સાથે જ વડાપ્રધાન મોદીને છોકરાઓ માટે પણ કાયદો બનાવવાની અપીલ કરી છે, જેથી છોકરાઓને મરીને સાચા હતા એવું પ્રૂવ ન કરવું પડે એવું પણ જણાવ્યું છે

મૃતકની મોપેડની ડિકીમાંથી સુસાઇડ નોટ અને વીડિયો મળ્યાં જયદીપ પાંચ બહેનનો એકનો એક ભાઈ હતો. જયદીપે નર્મદા સાગબારા નિશાળ ફળિયું ગામ ચિત્રા ફળિયામાં રહેતા લાલુભાઈ પી.રાઠવાની દીકરી શીતલ સાથે 30 ઓક્ટોબર 2023ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ શીતલ નાની નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી. પિતા મનસુખભાઈ વતનમાં લગ્નપ્રસંગમાં ગયા હતા, ત્યારે 4 એપ્રિલની રાત્રે જયદીપે મોટા વરાછા દુ:ખિયાના દરબાર રોડથી લાલ તંબુ તરફ જવાના રસ્તા ઉપર હની બંગલોઝના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પી લેતાં હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. જયદીપની અંતિમ વિધિ બાદ પરિવારે તેના મોપેડની ડિકી ચેક કરતાં એમાંથી સુસાઈડ નોટ મળી હતી. તેના મોબાઈલ ફોનમાંથી પણ ઝેરી દવા પીધી એ પહેલાં બનાવેલા ત્રણ વીડિયો મળ્યા હતા.

‘બધાથી હારી ગયો છું, એટલે આ પગલું ભરું છું’ વીડિયોમાં જણાવ્યું હતું કે મમ્મી-પપ્પા.. મને માફ કરજો, હું હારી ગયો છું, મારી લાઈફ બગાડી નાખી. હવે મારામાં હિંમત નથી. આ લોકો મને મારે છે. મારા પર ખોટા કેસ મારી વાઇફ પાસેથી કરાવ્યા હતા. મારા ઘરે આવીને મમ્મી-પપ્પા, બહેનને ધમકી આપે છે. મારામાં હિંમત નથી, મને મરવા સુધી મજબૂર કર્યો. હું હારી ગયો છું. શીતલ શું કામ મારી સાથે આવું કર્યું કે બીજાના લીધે મારી લાઈફ ખરાબ કરી દીધી તેં, હું જાઉ છું, આજ સુધી મેં તને આપેલાં વચન નિભાવ્યાં છે. મારી ભૂલ શું હતી કે જે મેં તારો વિચાર કર્યો. તે મારી લાઇફ ખરાબ કરી. તેં મારી કદર ના કરી. મને જવાબ દેજે. મેં શું બગાડ્યું હતું તારું. શીતલ, આ લોકો મને બહુ જ હેરાન કર્યો છે. હું લાઇફથી આ બધાથી હારી ગયો છું એટલે! આ પગલું ભરું છું. મને માફ કરજો બધા.

વીડિયોમાં ઘઉંમાં નાખવાના ઝેરી દવા સેલ્ફોસનું પેકેટ બતાવીને વધુમાં જણાવ્યું હતું કે મમ્મી-પપ્પા, મને માફ કરજો અને મિત્રોને પણ સાથ આપવા બદલ આભાર માન્યો હતો. આ સાથે જ પરિવારજનોમાં માતા-પિતા અને બહેનોને રડવાની મનાઈ કરી હતી. પોલીસને ન્યાય અપાવવા માટે અપીલ કરી હતી. આ સાથે જ તેના ફોનમાં વીડિયો અંગે અને શીતલે જે તેની સાથે કર્યું છે તેના પુરાવા હોવાનું જણાવ્યું હતું.