
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા અનેક વિસ્તારોમાં ફ્લાયઓવર બ્રીજ નિર્માણની કામગીરી હાથ પર લેવામાં આવી છે. બ્રીજ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ચાલુ નાણાંકીય વર્ષના બજેટમાં પણ કેટલાક ઓવર બ્રીજની જોગવાઈ કરવામાં આવી છે. જો કે, નિર્માણાધિન બ્રીજની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલતી હોવાથી મેયર એક્શનમાં આવ્યાં છે.
કેટલાક બીજ બનાવવામાં લાલિયાવાડી ચાલતી હોય પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. આવા જ એક કિસ્સામાં કતારગામમાં રત્નમાલાથી ગજેરા જંક્શન સુધીના ફ્લાયઓવર બીજનું કામ ત્રણ વર્ષે પણ અધૂરું હોય પાલિકા તંત્ર ભીંસમાં મૂકાઇ ગયું છે. સ્થાનિકોમાં આ બાબતે નારાજગી અને કચવાટ વચ્ચે મેયર દક્ષેશ માવાણી એક્શનમાં આવ્યા હોય બ્રીજ સેલના અધિકારીઓ અને ઈજારદારની તાબડતોબ બેઠક બોલાવી છે.
હાલ માવઠું ચાલી રહ્યું છે. ત્યારે આગામી ચોમાસા અગાઉ તૈયાર થવાના બ્રીજનું કામ પણ પૂર્ણ થાય તેવી શક્યતા નથી. સમયાવધિ પૂર્ણ થયા બાદ પણ બ્રીજની કામગીરી પૂર્ણ ન થઈ હોવાથી અધિકારીઓ-ઈજારદારને મેયર બેઠકમાં ઉધડો લે તેવી શક્યતા છે.