
પોલીસ નવી 60 સાયરન ખરીદશે, દર બેથી ચાર કિમીએ અવાજ સંભળાશે
સુરત શહેરમાં હવે યુદ્ધની શક્ય સ્થિતિમાં જનતાને પૂર્વચેતવણી આપવા માટે વધુ સજ્જ બનવાનું છે. તાજેતરમાં શહેરમાં કરાયેલી મોકડ્રિલ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે જુના સાયરનો ઘણા વિસ્તારોમાં સંભળાતા જ ન હતાં. આ મુદ્દે તંત્ર પાસે અનેક ફરિયાદો પહોંચતાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં મહત્વનો નિર્ણય લઈને શહેર માટે નવી 60 સાયરન ખરીદવાના સૂચનાને મંજૂરી આપવામાં આવી છે.
સાયરનનો અવાજ 3 કિમીના વિસ્તાર સુધી સ્પષ્ટ સંભળાય કમિશનર ગેહલોતે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં આ નવી સાયરન ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં દરેક બેથી ચાર કિમીના અંતરે આ સાયરન લગાવવામાં આવશે જેથી તેનો અવાજ આસપાસના ત્રણ કિ.મી.ના વિસ્તાર સુધી સ્પષ્ટ સંભળાય. હાલે સાયરન લગાવવાની જગ્યા નક્કી કરવાની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. સાયરન આવી ગયા બાદ તેનો સઘન ટેસ્ટિંગ પણ કરવામાં આવશે.
શંકાસ્પદ સંદેશ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરે હજીરા અને ઇચ્છાપુર વિસ્તારોમાં મોટા ઉદ્યોગો દરિયા કિનારે આવેલી હોવાને કારણે તંત્ર આ વિસ્તારોમાં વિશેષ સતર્ક બન્યું છે. કમિશનર ગેહલોતે સ્પષ્ટતા કરી કે હાલમાં હજીરા બંદર અને ઉદ્યોગ વિસ્તારોમાં થતી દરેક પ્રવૃત્તિ પર પોલીસની 24 કલાકની કડક નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત, તમામ ઉદ્યોગોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ પોતાના કર્મચારીઓને સંપૂર્ણ રીતે ચેતવણી આપે અને કોઈ અજાણી લિંક ન ખોલે તથા કોઈ શંકાસ્પદ સંદેશ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરે.
આ રીતે સુરત શહેર યુદ્ધ કે અન્ય આપત્તિના સંકટ સમયમાં સજ્જ રહે તે માટે પોલીસ તંત્ર દરિયાઈ પટ્ટીથી લઈ શહેરી વિસ્તારમાં સાવચેતીના તમામ પગલાં ઝડપી ગતિએ અમલમાં મૂકે છે