
સિવિલ-સ્મીમેર અને પ્રાઇવેટ હોસ્પિટલમાં તૈયારીઓ, 50 બેડથી વધુની 59 ખાનગી હોસ્પિટલમાં દવા સહિતની તમામ વ્યવસ્થા કરાઈ
ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ પરિસ્થિતિ હોવાથી મેડિકલને લગતી તમામ સુવિધાઓ ઊભી કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી હતી. જેથી, સુરત સિવિલ હોસ્પિટલ અને પાલિકા સંચાલિત હોસ્પિટલમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ સાથે બંને હોસ્પિટલ પર રેડ ક્રોસ લગાવવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે ખાનગી હોસ્પિટલો પર પણ રેડ ક્રોસ લગાવવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જ્યારે 50 બેડથી વધુની 59 ખાનગી હોસ્પિટલમાં દવા બેડ ડોક્ટરો સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે.
59 ખાનગી હોસ્પિટલમાં દવા અને ઇક્વિપમેન્ટ સહિતની તમામ વ્યવસ્થા કરાઈ સુરત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ સી.બી. પટેલે જણાવ્યું હતું કે, સુરતમાં 50 બેડથી વધુની 59 ખાનગી હોસ્પિટલમાં દવા, વેન્ટિલેટર સાથેના બેડ, ડોક્ટરોની ટીમ, સર્જરી માટે જરૂરી પડતા તમામ ઈક્વિપમેન્ટ સહિતની તમામ વ્યવસ્થાઓ પૂરતી કરી દેવામાં આવી છે. જો કોઈ એવી સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. આજે પાંચ વાગ્યે ખાનગી હોસ્પિટલના સંચાલકો સાથે એક બેઠક રાખવામાં આવી છે. જેમાં અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. હાલ સુરતમાં કોઈપણ પ્રકારની સ્થિતિ સર્જાય તો તમામ હોસ્પિટલો સંપૂર્ણ રીતે સજ્જ છે. હોસ્પિટલો પર રેડ ક્રોસ લગાવવા બાબતેની ચર્ચા બેઠકમાં પણ થશે.
કોઈ ઇમારત પર રેડ ક્રોસનું ચિહ્ન બનાવવાનો અર્થ દુશ્મન છાવણીને કહેવાનો છે કે સંબંધિત ઇમારત એક હોસ્પિટલ છે અને તેને કન્વેંશન હેઠળ નિશાન બનાવવી જોઈએ નહીં.