
ભત્રીજાને પિસ્તોલ બતાવી 30 લાખની ઉઘરાણી કરનારા સજ્જુ કોઠારીની ધરપકડ કરાઈ
નાનપુરામાં રહેતા માથાભારે સજ્જુ કોઠારી અને તેના ભાઈએ સગા ભત્રીજા પાસે 30 લાખની ઉઘરાણી કરવા આવી રિવોલ્વરથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાને પગલે અન્ય એક ભત્રીજાએ 100 નંબર પોલીસને જાણ કરી હતી. આથી અઠવાલાઇન્સ પોલીસે દોડી આવી માથાભારે સજ્જુ કોઠારી અને તેના ભાઈ યુનુસને લોડેડ પિસ્તોલ સાથે પકડી પાડયા હતા. બનાવ અંગે સગા ભત્રીજા આકીબ કોઠારીએ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે સજ્જુ ગુલામ મોહંમદ કોઠારી અને તેનો ભાઈ યુનુસ ગુલામ મોહંમદ કોઠારી(બન્ને રહે,જમરૂખગલી,નાનપુરા)ની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે સાથે બન્ને પાસેથી બે દેશી તમંચા પણ કબજે કરાયા છે. આકીબ આરીફ કોઠારીએ માથાભારે સજ્જુ કોઠારીની પત્ની પાસેથી ટુકડે ટુકડે કરી 50 લાખની રકમ લીધી હતી. તે સમયે સજ્જુ કોઠારી જેલમાં હતો. સજ્જુ જેલમાંથી છુટ્ટીને આવ્યો ત્યારે આકીબ પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. આકીબે તેને પહેલા 20 લાખની રકમ આપી હતી. બાકી 30 લાખ માટે સજ્જુ કોઠારીએ આકીબ પાસેથી થાર ગાડી પડાવી લીધી હતી. શુકવારે સજ્જુ કોર્ટ મુદ્દત માટે સુરત આવ્યો હતો તે વખતે જમરૂખગલીમાં બપોરના સમયે સજ્જુ કોઠારી તેના ભાઈ યુનુસ સાથે આકીબના ઘરે ગયો હતો અને તેની પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. 1996થી ગુનાખોરીની શરૂઆત કરનાર માથાભારે સજ્જુ કોઠારી સામે અત્યાર સુધીમાં હત્યા, મારામારી, ખંડણી, ધમકી, અપહરણ, આમ્સ એકટ સહિતના 44 ગુનાઓ સાત પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા છે.