
સુરતમાં બ્લેક અને મરીન કમાન્ડો તૈનાત; અમદાવાદથી 75 નવી એમ્બ્યુલન્સ કચ્છ, જામનગર અને દ્વારકા મોકલાઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરી સ્થિતિને લઈને ગુજરાત એલર્ટ મોડમાં છે. આજે (9 મે, 2025) ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો અને સંબંધિત જિલ્લાના વહીવટી વડા, પોલીસ તંત્ર વગેરે સાથે સમીક્ષા બેઠક કરી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાત કરી મુખ્યમંત્રી પાસેથી ગુજરાતની સુરક્ષા અંગેની માહિતી મેળવી હતી.

સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાતના સરહદી ગામોમાં સુરક્ષાદળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે ભુજ એરપોર્ટને સેનાને હવાલે કરી દેવામાં આવ્યું છે. તો સોશિયલ મીડિયોમાં અફવા અને સેનાનું મનોબળ તૂટે ટેવી પોસ્ટ કરનારા ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રીએ જિલ્લા પોલીસ વડાઓને આદેશે આપ્યો છે. સાથે આગામી 15 મે સુધી લગ્ન સહિતના પ્રસંગોમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જો ઇમર્જન્સીની સ્થિતિ થાય તો તેને પહોંચી વળવા રાજ્યના આરોગ્ય વિભાગ હસ્તકની આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તમામ તબીબો, પેરામેડિકલ તથા અન્ય અધિકારી-કર્મચારીઓની માંદગી સિવાયની તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે. તેમની ફરજ પર તાત્કાલિક હાજર થવા આપ્યો છે. આ ઉપરાંત હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. આ સાથે આરોગ્ય વિભાગ દવાઓનો પૂરતો સ્ટોક, ડોકટરોની ટીમો, લાઈટ કટ થાય તો જનરેટરોની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપી દેવામાં આવી છે.
સુરતમાં બ્લેક-મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ વધારાયું
સુરતના દરિયાઈ કિનારે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. બ્લેક કમાન્ડો અને મરીન કમાન્ડોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. મરીન કમાન્ડો દ્વારા દૂરબીનથી કોસ્ટલ વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં હથિયાર સાથે પોલીસ જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યાં છે. હજીરા ખાતે ગુપ્ત 6 વિસ્તારમાં સિક્યુરિટી મોરચો ગોઠવાયો છે. આ સાથે સુરત એરપોર્ટ પર પણ ચેકિંગ સાથે સુરક્ષા વધારવામાં આવી છે.