
જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં આઈ.બી, સેનાની વિવિધ પાંખ અને લશ્કરી દળો દ્વારા પુછપરછ બાદ ડીપોર્ટની પ્રક્રિયા માટે હેન્ડઓવર
હવે ગૃહ વિભાગ કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરાશે
જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં આઈ.બી, સેનાની વિવિધ પાંખ અને લશ્કરી દળો દ્વારા પુછપરછ બાદ ડીપોર્ટની પ્રક્રિયા માટે હેન્ડઓવર
– હવે ગૃહ વિભાગ કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરાશે
સુરત, : સુરત પોલીસે 10 દિવસ પહેલા એકીસાથે ગુપ્ત ઓપરેશન હાથ ધરી 134 બાંગ્લાદેશીને ઝડપી લીધા બાદ જુદાજુદા વિસ્તારમાંથી બીજા પણ બાંગ્લાદેશીને ઝડપી લીધા હતા.આઈ.બી, સેનાની વિવિધ પાંખ અને લશ્કરી દળોની પુછપરછ બાદ તેમને ઝડપથી ડીપોર્ટ કરવાની પ્રક્રિયાને આગળ ધપાવવા માટે હવે તે પૈકીના 150 થી વધુ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરવા જેઆઈસી ( જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર ) ને સોંપાયા છે.હવે ગૃહ વિભાગ કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરશે.
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતમાં વસવાટ કરતા અને અહીં વિઝીટર વિઝા ઉપર આવેલા પાકિસ્તાનીઓને ભારત છોડી દેવાના આદેશ વચ્ચે ગત 26 એપ્રિલના મળસ્કે સુરત પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર વસવાટ કરતા 134 બાંગ્લાદેશી મહિલા-પુરુષોને ઝડપી લીધા હતા.સુરત પોલીસે અમદાવાદની સાથે હાથ ધરાયેલા ઓપરેશનમાં સુરતના ઉનમાંથી 66, કઠોદરામાંથી 44 અને ફૂલવાડીમાંથી 24 બાંગ્લાદેશી ગેરકાયદેસર વસવાટ કરતા મળતા તેમને ડીટેઈન કરી શરૂઆતમાં પોલીસ કોમ્યુનીટી હોલ ખાતે લઈ જઈ દસ્તાવેજોની ચકાસણી કરી બાદમાં રાંદેરના ભિક્ષુક ગૃહમાં રાખી તેમને ડીપોર્ટ કરવાની પ્રક્રિયા ઝડપથી કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.બાંગ્લાદેશીઓની સ્ટેટ આઈ.બી, સેન્ટ્રલ આઈ.બીએ પુછપરછ કર્યા બાદ તેમની જુદીજુદી એજન્સી અને લશ્કરી પાંખે પુછપરછ કરી હતી.રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને નેવી, એરફોર્સ અને બીએસએફના અધિકારીઓએ પણ તેમની પુછપરછ કરી હતી.

દરમિયાન, સુરતના વિવિધ વિસ્તારોમાંથી બાંગ્લાદેશીઓને શોધવાની જવાબદારી તમામ ડીસીપીને સોંપતા તેમણે પણ શહેરના જુદાજુદા વિસ્તારમાંથી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી લીધા હતા.ઝડપાયેલા તમામની પુછપરછ બાદ અને તેમના દસ્તાવેજોની ચકાસણી બાદ જેમની ઓળખ બાંગ્લાદેશી તરીકે કન્ફ્રર્મ થઈ હતી તેવા 150 થી વધુને પોલીસે ડીપોર્ટ કરવા પ્રક્રિયા ચાર દિવસ અગાઉ હાથ ધરી હતી.પોલીસે તેમને ઝડપથી ડીપોર્ટ કરવાની પ્રક્રિયાને આગળ ધપાવવા કબજો જેઆઈસી ( જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર ) ને સોંપ્યો હતો.હવે ગૃહ વિભાગ કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી આગળ કાર્યવાહી કરશે.
દરમિયાન સૂત્રો મુજબ વર્તમાન સમયે યુદ્ધની પરિસ્થિતિ છે ત્યારે આ બાંગ્લાદેશીઓને તેના દેશ ડીપોર્ટ કરવાની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે.