
જાન્યુઆરીથી નિયમ લાગુ કર્યા બાદ ૯૫% વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું: માથાના ભાગે ઈજાના કેસોમાં ૨૨.૭૪ % અને ફેટલ એક્સિડન્ટમાં ૧૮ % નો ઘટાડો થયો: નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) અમિતા વાનાણી
ટુવ્હીલર્સ માટે ફરજિયાત હેલમેટના નિયમથી શહેરમાં અકસ્માતોમાં ઘટાડો નોંધાયો છે. જે સંદર્ભે નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી નિયમ લાગુ કર્યા બાદ ૯૫% વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું: માથાના ભાગે ઈજાના કેસોમાં ૨૨.૭૪ % અને ફેટલ એક્સિડન્ટમાં ૧૮ % નો ઘટાડો થયો છે. હેલ્મેટ ફરજિયાત કરવાથી ૯૦ % વાહનચાલકો પોતાની અને પરિવારની સુરક્ષા માટે દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરે છે, જે સુરતવાસીઓના સહયોગનું પરિણામ છે.
તેમણે કહ્યું કે, જે શેષ ૫ થી ૭ % લોકો હજુ પણ હેલ્મેટ નથી પહેરતા તેમને અપીલ છે કે હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દે. ટ્રાફિક પોલીસ કે દંડથી બચવા માટે નહીં, પણ તમારી અને પરિવારની સુરક્ષા માટે હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ. તેમણે રાત્રે પણ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા પર ભાર મૂક્યો હતો.
રાત્રે ઓછા ટ્રાફિકના કારણે ઓવરસ્પીડીંગ, રોંગ સાઈડ, ટ્રીપલ સવારી, હેલ્મેટ ન પહેરવું જેવી બાબતોને ધ્યાને રાખી કાર્યવાહી કરવા માટે વિશેષ ડ્રાઈવ પણ રાખવામાં આવે છે. ચાર રસ્તાઓ, જંક્શન પર રિક્ષાચાલકો નડતરરૂપ ન બને તેવી રીતે રિક્ષા પાર્ક કરે તે માટે શહેરમાં ૩૧૫ રીક્ષા સ્ટેન્ડ નિયત કરવામાં આવ્યા છે. જ્યાં પીળા પટ્ટા પર જ રિક્ષા પાર્ક કરી શકાશે એમ તેમણે કહ્યું હતું.