
પતિએ કહ્યું-ઝઘડા બાદ આ પગલું ભર્યું, ભાઈએ કહ્યું-મારી બહેનને જીજાજી દારૂ પીને માર મારતા હતા, એટલે ફાંસો ખાધો
સુરતના પાંડેસરા વિસ્તારમાં 25 વર્ષીય લક્ષ્મી ગૌતમ સ્વાઈ નામની પરિણીતાએ દીકરાને કુરકુરે લેવા મોકલી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. હાલ તો લક્ષ્મીના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ કરી છે.
પત્નીના આપઘાતના કારણ અંગે પતિએ જણાવ્યું હતું કે, ગામ જવા માટે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આ પગલું ભર્યું હતું. જ્યારે મૃતક મહિલાના ભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી જીજાજી દારૂ પીને ઘરે આવી મારી બહેનને માર મારતા હતા. જેથી કંટાળીને મારી બહેને ફાંસો ખાઈ લીધો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિશા અને પાંડેસરા વિસ્તારમાં આવેલી અવિર્ભાવ સોસાયટીમાં 25 વર્ષે લક્ષ્મી ગૌતમ સ્વાઈ પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પતિ અને એક ચાર વર્ષનો દીકરો છે. પતિ સંચા ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. લક્ષ્મી અને ગૌતમના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમને સંતાનમાં એક દીકરો છે.
ત્રણ વર્ષથી મારા જીજાજી મારી બહેનને દારુ પીને માર મારતા હતા મૃતક લક્ષ્મીના ભાઈ મંગલુએ જણાવ્યું હતું કે, મારા જીજાજી દારૂ પીને આવીને મારી બહેનને માર મારતા હતા. બે થી ત્રણ વાર હું પણ તેમને સમજાવી ચૂક્યો છું કે તમે પરિવાર વાળા છો તો ઓછું પીવું જોઈએ. જોકે તે દરરોજ દારૂ પીને આવીને મારી બહેનને માર મારતા હતા. તેમના લગ્નને પાંચ વર્ષ થયા છે અને લગ્નના બે વર્ષ મારી બહેનને માર મારતા ન હતા પણ છેલ્લા ત્રણ વર્ષથી દારૂ પીને આવી મારી બહેનને માર મારે છે. ગતરોજ સાંજે બહેન ના ઘરે ગયો હતો પણ તે બાથરૂમમાં હોવાથી હું પરત ફર્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, હું મારી બહેનને પણ સમજાવતો હતો. જોકે હું મારા ઘરે પહોંચું તે પહેલા જ જીજાજીનો ફોન આવી ગયો અને મારી બહેને ફાંસો ખાઈ લીધો તેવું જણાવ્યું હતું. મેં જઈને પૂછ્યું તો તેણે એવું કહ્યું કે મને તો કંઈ ખબર જ નથી આવું પગલું ભરી લીધું છે. મારી બહેન તો હવે રહી નથી પણ મારો ભાણિયો હવે અમને જ મળવો જોઈએ એટલી જ અમારી માંગ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક લક્ષ્મીને એકનો એક ચાર વર્ષનો દીકરો હતો. લક્ષ્મીના આ આંકડા પગલાના કારણે તેના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ સાથે જ પરિવારમાં શોખનો માહોલ પણ છવાઈ ગયો છે. પાંડેસરા પોલીસ દ્વારા આ બાબતે સાસરીયા અને પિયર પક્ષ બંનેના નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.