
દુકાનોને કારણે વાંદા-ઉદરોનો ત્રાસ વધ્યો, ઘરોનાં વાયરિંગને પણ નુક્સાન થતું હોવાની રાવ
ડુમસ વિસ્તારમાં અવધ કેરોલીનામાં બિલ્ડિંગ નીચે ગેરકાયદે રીતે દુકાનોનું બાંધકામ થતું હોવાની ફરિયાદ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે. રહેણાંક માટે મંજૂર થયેલી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર અનધિકૃત રીતે દુકાન બનાવવામાં આવી હોવાની ફરીયાદ કરાઈ છે. રહેણાંક બિલ્ડિંગમાં વ્યાપારી ઉપયોગ માટે પરવાનગી લેવી ફરજિયાત છે, પરંતુ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગવાળા ભાગે દુકાન બનાવી કોમર્શિયલ હેતુસરનો વપરાશ શરૂ કરી દેવાયો છે. આ અંગે મનપાએ ઈમ્પેક્ટ પણ નામંજૂર કરી નોટિસ પણ ફટકારી હતી, પરંતુ દુકાનનું ડિમોલિશન કરાતું નથી, જેથી
રહીશો દ્વારા આ દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, અવધ કેરોલીનાના ટાવર-ટી ની પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે દુકાનને કારણે બિલ્ડિંગના રહીશોને ઘણું નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા 4-5 મહિનાથી મનપામાં ફરીયાદ કરવામાં આવી રહી છે, પરંતુ રાજકીય દબાણને કારણે મનપા દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવી રહ્યા નથી, તેવા આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાયા છે. અહીં દુકાનને કારણે કોક્રોચ વધી ગયા છે અને ઉંદરોને કારણે બિલ્ડિંગના ઘરોમાં વાયરીંગને ઘણું નુકસાન થઈ રહ્યું છે. રહેણાંકથી વ્યાપારી ઉપયોગમાં ફેરફાર માટે બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન અને ફાયર સેફ્ટી નિયમોનું પાલન કરવું જરૂરી છે. મનપા દ્વારા ઈમ્પેક્ટ નામંજૂર કરી નોટિસ મોકલાઈ છે, પરંતુ આગળ કોઈ કાર્યવાહી કરાઈ નથી. જેથી આ અંગે તાકીદે પગલા લેવા સ્થાનિકોની માંગણી છે.