
શિક્ષિકાનું છેલ્લું લોકેશન રેલવે સ્ટેશન આવ્યું, બાદમાં ફોન બંધ ત્રણ વર્ષથી સ્કૂલની ટીચર હોવાથી તેને ત્યાં તરૂણ ટ્યુશન જતો હતો
પરવત પાટિયા વિસ્તારમાં આવેલી એક હિંદી માધ્યમની શાળાની 23 વર્ષની શિક્ષિકા ધોરણ 5માં અભ્યાસ કરતા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગયાનો બનાવ પુણા પોલીસમાં નોંધાયો છે.
પરવત પાટિયા વિસ્તારમાં રાજસ્થાની પરિવાર પતિ પત્ની અને 11 વર્ષના અને 7 વર્ષના દિકરા સાથે રહે છે અને કરિયાણાની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. 11 વર્ષનો તરૂણ પુણાગામ વિસ્તારમાં આવેલી હિંદી માધ્યમની શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરે છે. જ્યારે આ સ્કૂલમાં 23 વર્ષની શિક્ષિકા પણ નોકરી કરતી હતી. આ શિક્ષિકા અને તરૂણ એક જ વિસ્તારમાં રહેતા હતા. જેથી છેલ્લા ત્રણ વર્ષથી તે શિક્ષિકાના ઘરે ટ્યુશન માટે જતો હતો. હાલ સ્કૂલમાં વેકેશન છે. જોકે ટ્યુશન ચાલુ હોવાથી ટ્યુશને જતો હતો. તા. 25મી એપ્રિલના રોજ રાબેતા મુજબ તરૂણ પોતાના એપાર્ટમેન્ટ નીચે રમતા માટે ગયો હતો. જોકે, સાંજ સુધી પરત નહીં આવતા પિતાએ તપાસ શરૂ કરી હતી. અને સીસીટીવી કેમેરા ચેક કરતા તેમનો દિકરા અને શિક્ષિકા હાથ પકડીને ચાલતા જતા દેખાયા હતા. જેથી તરૂણના પિતા શિક્ષિકાના ઘરે ગયા હતા અને તેના માતા પિતાને પુછતા તેમણે પણ બપોરે 2 વાગ્યાથી શિક્ષિકા ઘરે આવી ન હોવાનું જણાવ્યું હતું.
શિક્ષિકા ઉંઝા લઈ ગઈ હોવાની શંકા
શિક્ષિકા વિદ્યાર્થીને પોતાના વતન મહેસાણાના ઉંંઝા લઇ ગઇ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે તેના મોબાઇલ ફોનનું લોકેશન ચેક કરતા સુરત રેલવે સ્ટેશન પર ફોન બંધ થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
પુણા પીઆઇ કે.એમ.દેસાઇએ જણાવ્યું હતુંકે, 6 ટીમ બનાવીને તરૂણની તપાસ શરૂ કરી છે. સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. તેણીના વતન પર પણ તપાસ કરવામાં આવી રહી છે.