
પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઇ છે ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધી શોધીને તગેડી મૂકવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ અને સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બંને મોટા શહેરોમાં દરોડા દરમિયાન શહેરમાંથી લગભગ 500થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે. જેમાં અમદાવાદમાંથી 400થી વધુ જ્યારે સુરતમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયતના અહેવાલ મળી રહ્યા છે. આ લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

હાલમાં 6 ટીમ બનાવીને તમામ શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમના દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર સુરતના સચિન, ઉન, લાલગેટ અને લિંબાયત સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધારકાર્ડ પણ મળી આવ્યા છે. જ્યારે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાંથી 400થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમના શંકાસ્પદ બાંગ્લાદેશી હોવાની જાણકારી મળી રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે. જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચઢી ગયાનો દાવો કરાયો છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અગાઉ જ પાકિસ્તાની નાગરિકોને પણ અલ્ટીમેટમ આપી ચૂક્યા હતા.