
ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા પછી રૂમમાં બોલાવી કુકર્મ, બાળકી ગર્ભવતી થતાં મામલો બહાર આવ્યો
સુરત શહેરમાં માનવતા શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં ઉનપાટિયામાં રહેતા યુવકે 12 વર્ષની માસૂમ સાથે ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક સાધી મિત્રતા વધારવામાં આવી હતી. ત્યારબાદ આરોપીએ બાળકીને ફોન પર વાતચીત કરીને અનેકવાર પોતાના રૂમમાં બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું.આરોપી અસ્ફાક આલમ ખલીલ શેખ (મૂળ વતન બિહાર, હાલ રહે. તિરૂપતિ નગર સોસાયટી, ઉનપાટિયા, ભેસ્તાન, સુરત) નામના યુવકે પીડિતા સાથે સોશિયલ મીડિયા પર વાતચીત શરૂ કરી હતી. ત્યારબાદ અવારનવાર ફોન પર પણ વાતો કરતો રહ્યો. આજે પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે નવેમ્બર 2024થી જાન્યુઆરી 2025ના સમયગાળામાં આરોપીએ બાળકી સાથે ત્રણ વખત પોતાના રૂમમાં બોલાવીને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.આ કૃત્ય બાદ બાળકી ગર્ભવતી થઈ ગઈ હતી. શરીરમાં થયેલા પરિવર્તનને કારણે પરિવારજનોને શંકા જતા તેમણે પુછપરછ કરી હતી. આ દરમિયાન આખી હકીકત બહાર આવી હતી. નોંધનીય છે કે, આરોપીએ બાળકીને આ બાબત વિશે કોઈને કશું કહેવા માગશે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, જેના કારણે બાળકી ભયના કારણે મૌન રહી હતી. આ મામલે બાળકીના પરિવારજનો દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવામાં આવી હતી. પોલીસે આરોપી અસ્ફાક શેખને ઝડપી લીધો છે. તેની સામે પોક્સો એક્ટ તથા બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.