
ટ્રામાડોલની 24 ગોળી અને ફિનાઈલ ગટગટાવ્યું, શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાયના બે ભાઈ ઉપર ધમકીનો આક્ષેપ

સુરતમાં દેવામાં સપડાયેલાં ઉધનાના વેપારીએ ટ્રામાડોલની 24 ગોળી અને ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેની પાસેથી ચાર પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. જોકે, શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાયના બે ભાઈઓ પર પણ નેતાઓ અને અધિકારીઓના નામથી ધમકાવવાનો આક્ષેપ સુસાઈડ નોટ અને યુવકની બહેને કર્યો છે.

આ બંને ભાઈઓએ નેતાઓ અને પદાધિકારીઓ સાથે ઓળખ હોઈ દેવું ચૂકવવામાં સમય અપાવવાનું કહી ઓફિસમાં પંદર લાખનું રોકાણ કરી વેપારીનાં જ એક યુનિટમાં બેસતા હોવાનું તથા તેને ધમકાવતા હોવાનો આક્ષેપ સુસાઈડ નોટમાં કર્યો હતો.

સુસાઇડ નોટમાં જેનું નામ છે તે પૈકી એક દંપતીએ થોડાંક દિવસ પહેલાં અંકિત તિવારી અને તેની માતા મનોરમા તિવારી વિરુદ્ધ 63.86 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. માતા-પુત્રએ ટી-શર્ટનાં ઓનલાઇન ધંધામાં મહિને 26 ટકા નફાનું કહી રોકાણ કરાવી છેતર્યા હતા. જેની તપાસ આર્થિક ગુના નિવારણ શાખા કરી રહી છે તે દરમિયાન અંકિતે કરેલા આપઘાતના પ્રયાસથી મામલો ચર્ચાસ્પદ બન્યો છે.