
એકના એક દીકરાની નશેડીએ હત્યા કરતા મહિલાઓ રણચંડી બની, પાંચ પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને ચાર બહેનોના એકના એક ભાઈની એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી છે.

મૃતક પરેશ વાઘેલા
વાત માત્ર એટલી હતી કે નશેડીએ નશો કરવા મૃતક સગીર પાસે પૈસા માગ્યા હતા. પરંતુ તેની પાસે માત્ર 10 રૂપિયા જ હોવાથી આપવાનો ઈન્કાર કર્યો હતો. આ નશાખોર આટલેથી નહોતો અટક્યો તેણે આગળ જઇ રિક્ષાચાલકને પણ ક્યાંક મુકી જવા જણાવ્યું. પરંતુ રીક્ષા ચાલકે ઈન્કાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા. હાલ રિક્ષાચાલક પણ સારવાર હેઠળ છે. હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની તથા ચપ્પુ આપનારની પોલીસે ધરપકડ કરી લીધી છે.
આ ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા પાંચ પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવવી પડી હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડ્યો હતો. બાદમાં માંડ માંડ મોડીરાત્રે 2 વાગ્યે થાળે પડેલો મામલો ફરી આજે(15 એપ્રિલ, 2025) બપોરે ઉગ્ર બન્યો છે. મોટી સંખ્યાં મહિલા કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. અહીં પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી.
આરોપી પ્રભુ શેટ્ટી
પોલીસે ગણતરીની મિનિટોમાં હત્યારા પ્રભુ રવિરામ શેટ્ટી (ઉં.વ.25 રહે. લક્ષ્મણ નગર સોસાયટી કાપોદ્રા)ની ધરપકડ કરી કરી હતી. કાપોદ્રા પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીએ કબૂલાત આપી હતી કે તે ચાલતા જઈ રહ્યો હતો, તે દરમિયાન પરેશ સાથે અથડાયા બાદ બોલાચાલી થઈ હતી અને આવેશમાં આવી તેને ચપ્પુના ઘા મારી દીધા હતા.

ઈરજાગ્રસ્ત રિક્ષાચાલક
ત્યારબાદ આગળ જતા એક રિક્ષાચાલકને આગળ સુધી મૂકી જવા કહેતા તેણે ઇનકાર કરતા તેને પણ ચપ્પુના બે ઘા મારી દીધા હતા. આમ અથડાવાની સામાન્ય બાબતમાં 17 વર્ષના કિશોરની હત્યા કરી દેવામાં આવી હતી.