
ઓરિસ્સામાં શાકભાજી વેચનાર, રીક્ષાચાલકનો વેશ ધારણ કરી આરોપીને પકડ્યો; ગામના જ યુવાનોને નશાના કાળા કારોબારમાં ધકેલતો હતો

સુરતના સાયણ ખાતે રહેતા ભાઈને મળવા ઓરિસ્સાના ગંજામથી સુરત આવેલા યુવાનને વરાછા પોલીસે એક મહિના પહેલા વરાછા અશોકનગર રેલવે ટ્રેક પાસેથી 6.42 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો. પકડાયેલો યુવાન પેમેન્ટની રાહ જોતો હતો અને પકડાઈ ગયો હતો. તેની પૂછપરછમાં ગામના જ બીમલકુમારનું નામ સામે આવ્યું હતું. જેથી સારોલી પોલીસના ત્રણ પોલીસ કર્મીઓ ઓરિસ્સાથી સુરતમાં ગાંજો મોકલનાર વિમલને પકડવા સુરતથી 1500થી વધુ કિમી દૂર ઓરિસ્સાના ગામ પહોંચ્યા હતા. જ્યાં શાકભાજી વેચનાર અને રીક્ષાચાલકનો વેશધારણ કરીને ગાંજાના માફિયા એવા વિમલને પકડી પાડ્યો હતો.

રેલવે ટ્રેક પાસેથી 6 કિલો ગાંજા સાથે આરોપી ઝડપાયો હતો ગત 3 માર્ચ 2025ના રોજ વરાછા પોલીસે અશોકનગર રેલવે ટ્રેક પાસેથી બાતમીના આધારે બિક્રમા ઉર્ફે શીલુ પૃથ્વી સીધર સ્વાઈને રૂ.64,240ની મત્તાના 6 કિલો 424 ગ્રામ ગાંજો સાથે ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન, રોકડા રૂ. 70, થેલો વગેરે મળી કુલ રૂ.69,130નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી બિક્રમાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેનો ભાઈ સાયણ ખાતે રહે છે અને તેને મળવા તે વતનથી સુરત આવ્યો હતો. બિક્રમા સુરત આવતો હતો ત્યારે હંમવતની બિમલ ઉર્ફે શાનો સ્વાઈએ ગાંજાનો જથ્થો ગુરુને ડિલિવરી આપવા આપ્યો હતો. બિમલે ગુરુને પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલી પેમેન્ટ આવ્યા બાદ જ ગાંજાની ડિલિવરી આપવાનું કહ્યું હોવાથી બિક્રમાએ ગુરુને પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલ્યો હતો. તેના પેમેન્ટની રાહ જોતો ઉભો હતો ત્યારે જ વરાછા પોલીસે તેને ઝડપી લીધો હતો.

આરોપીને ઝડપવા ટીમ બનાવી 1500 કિમી દૂર પહોંચ્યા પોલીસે આ અંગે ગુનો નોંધી બિક્રમાની ધરપકડ કરી બિમલ અને ગુરુને વોન્ટેડ જાહેર કર્યા હતા. તે દરમિયાન ઓરિસ્સાથી સુરતમાં ગાંજો ઘુસાડવાના આ રેકેટમાં સારોલી પોલીસ દ્વારા બિમલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપી બિમલ ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના લાઠીપાડાગામ ખાતે હોવાની ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક ઓરિસ્સા ગંજામ ખાતે તપાસમાં જવા સારૂ એક ટીમ બનાવવામાં આવી હતી. સારોલી પોલીસના એ.એસ.આઇ. રમેશ હરીભાઇ, ભરત નાજાભાઈ અને અ.પો.કો. વૈભવ પદમશીભાઇની ટીમ બનાવી તાત્કાલીક પીઆઈ સંદીપ વેકરિયાના માર્ગદર્શન હેઠળ 1500થી વધી કિમી દૂર પહોંચ્યા હતા.