
પતિના કેન્સરની સારવાર માટે દીકરાએ રૂપિયા ન આપતા માતાએ દારૂ વેચવાની શરૂઆત કરી, પહેલા અમેરિકા આવતી જતી હતી
સુરત શહેરમાં પતિના કેન્સરની સારવાર માટે પૈસાની તંગી વચ્ચે દીકરાએ સહયોગ ન આપતાં એક માતા દારૂની હેરાફેરીમાં જોડાઈ ગઈ હતી. ઉમરા પોલીસે આ મહિલા બુટલેગરનો ભાંડો ફોડતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે ઉમરા પોલીસને બાતમી મળી કે પાર્લે પોઈન્ટ વિસ્તારના સેન્ટ્રલ બિઝનેશ હબ (CBH)ના પાર્કિંગમાં એક સફેદ કલરની ફોર વ્હીલ કાર (નંબર GJ-05-CS-5197)માં એક મહિલા દારૂનો જથ્થો લઈને ઉભી છે. ત્યાર બાદ પોલીસે તાત્કાલિક રેડની કાર્યવાહી હાથ ધરી હતી.પંચો અને પોલીસ સ્ટાફ સાથે પોલીસે સ્થળ પર જઈ ગાડીની તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 750 મીલી.ની કુલ 66 બોટલ મળી આવી, જેને માર્કેટ કિંમત પ્રમાણે રૂ. 1,41,398 થાય છે. ઉપરાંત, આરોપી મહિલા દ્વારા વપરાતી સફેદ રંગની કારની અંદાજિત કિંમત રૂ. 1,60,000 હોવાનું પોલીસનું અનુમાન છે. આમ કુલ મળીને રૂ. 3,01,398 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.પોલીસે દારૂ વેચતી મહિલા અમીબેન શાહની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. અમીબેને જણાવ્યું કે, તેના પતિને કેન્સર છે અને વર્ષોથી સારવાર ચાલી રહી છે. તેઓ પહેલાં 6 મહિના અમેરિકા અને 6 મહિના સુરતમાં રહેતા હતા. દીકરીના ઘરે અમેરિકા જતા હતા. હાલ પતિની સારવાર માટે ભારે ખર્ચનો સામનો થતો હોવાથી દીકરા તેજસ પાસે પૈસા માગ્યા હતા, પરંતુ તેજસે મદદ કરવાને બદલે પીઠ ફેરવી દીધી. તેજસ મહેતા પોતે પણ બુટલેગર તરીકે ઓળખાય છે અને માતાને દારૂ વેચવાનું સૂચન કર્યું હતું. તે જ કારણે અમીબેન દારૂની હેરાફેરીમાં પ્રવેશી ગઈ હતી. પોલીસે આ કાવતરાની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વધુમાં આ કેસમાં બે અન્ય વોન્ટેડ આરોપીઓના નામ જાહેર કર્યા છે. દારૂનો જથ્થો મોકલનાર વિકાસસિંહ જાડીયો ઉર્ફે આયુસિંગ રહે. ચંદીગઢ તથા દારૂનો જથ્થો મંગાવનાર વોન્ટેડ પુત્ર તેજસ ભરતભાઈ મહેતા રહે. ઘરના નં.604, શીતલધારા, સુરત હોવાનું જાણવા મળ્યું છે.