
વરિયાવમાં સિટીબસ નાળામાં ઉતરી પડી, ડ્રાઈવર-કન્ડક્ટર ભાગી છૂટ્યાફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં યાત્રીઓ સહીસલામત નીચે ઉતરી ગયા સિટી બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં દુર્ઘટનાસ્ટેશનથી વરિયાવ જતી સિટીબસ વરિયાવ પાસે રસ્તા પરથી સાઇડમાં નાળામાં ઉતરી જતાં મુસાફરોના જીવ ટાળવે ચોંટી ગયા હતા. કોઈકે ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે ત્યાં સુધીમાં તમામ પેસેન્જર નીચે ઉતરી ગયા હતા. ઘટના બાદ સિટીબસના ડ્રાઈવર અને કન્ડક્ટર બસ છોડીને ભાગી ગયા હતા.

બસ ગુરુવારે બપોરે વરિયાવ કબ્રસ્તાન પાસે પહોંચી ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં બસ નાળામાં ઉતરી ગઈ હતી. બસમાં 20 મુસાફરો હતા, જેમણે બૂમાબૂમ કરી દીધી હતી. આ દરમિયાન કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરી દીધી હતી. જોકે ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં તમામ મુસાફરો ઉતરી ગયા હતા. સિટીબસ સાઈડમાં નીચે ઉતરીને અટકી ગઈ હતી, જેથી તમામનો બચાવ થયો હતો અન્યથા બસ થોડી વધુ આગળ ગઈ હોત તો પલટી ગઈ હોત અને મુસાફરોને ગંભીર ઈજા પહોંચી શકી હોત.