
કેશ ગણી આપવાના બહાને પૈસા લઈ નાસી છૂટતો, 56 ગુનાના આરોપીએ પોલીસ પર કાર ચઢાવવાનો કર્યો હતો પ્રયાસ

સુરત શહેર ક્રાઈમ બ્રાંચે આંતરરાજ્ય સ્તરે બેંકોમાં રોકડ રકમ જમા કરાવવા આવતા ગ્રાહકોને વાતોમાં ભેળવી તેમની પાસે રહેલા લાખો રૂપિયાની કેશ લઈ નાસી છૂટનારા અબ્બાસ શૈફુદ્દીન ઉકાણી ઉર્ફે રાજુ શિંદે ઉર્ફે દત્તાત્રેય સોનુ શિંદેની ધરપકડ કરી છે.
આરોપી બેંક બહાર રોકડ જમા કરવા આવતા ગ્રાહકોને ચાલાકીથી વાતમાં ફસાવતો હતો. તેમને વિશ્વાસમાં લઇ નોટોની ગણતરી કરવા કહેતો હતો. વાતો કરતા કરતા નોટોની થપ્પી લઇ નાસી જતો હતો.
અબ્બાસે કુલ 16થી વધુ રાજ્યમાં અલગ અલગ શહેરોમાં મળી 56 ગુના આચર્યા છે. આરોપી બેંકમાં રોકડ રકમ સાથે આવતા ગ્રાહકને વાતોમાં ફસાવી તેની પાસે રહેલા રૂપિયાની ઉઠાંતરી કરતો હતો. આરોપી સામે મહારાષ્ટ્રના થાણે શહેરમાં પોલીસકર્મી ઉપર હત્યાનો પ્રયાસનો પણ કેસ દાખલ છે જેમાં તે વોન્ટેડ હતો.
આરોપી અબ્બાસ શૈફુદ્દીન ઉકાણી પોતાની વિશિષ્ટ શૈલીમાં બેંક બહાર રોકડ જમા કરવા આવેલા લોકો સાથે વાતોમાં ભેળવી ચતુરાઈપૂર્વક તેમની નોટોની થપ્પી લઇ ચીટિંગ કરી નાસી જતો હતો. 47 વર્ષીય અબ્બાસ મૂળ ઉત્તરાખંડના હરીદ્વારનો વતની છે. હાલ સુરત સહિત મુંબઈ ખાતે આવતો જતો રહેતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે પાલિયા ગ્રાઉન્ડ લાલગેટ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂપિયા 36,500નો મુદ્દામાલ કબજે કર્યો છેઆરોપીએ પોલીસ તપાસમાં ચોંકાવનારી કબૂલાત કરી છે કે, તેણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હિમાચલપ્રદેશ, દિલ્હીની અનેક જગ્યાએ બેંકોની બહાર અને બજાર વિસ્તારમાં રોકડ જમા કરવા આવેલા લોકો સાથે વાતોથી ભ્રમિત કરીને ગુનાઓ આચર્યા છે.
આરોપી તરફથી અત્યારસુધી પોલીસને મળેલી કબૂલાત
- સુરત શહેરમાં 2 ગુના
- અમદાવાદમાં 2 ગુના
- વડોદરા કરજણમાં 1 ગુનો
- ભરૂચ અંકલેશ્વરમાં 1 ગુનો
- ગોવામાં 4 ગુના
- ઉત્તરપ્રદેશના અલગ અલગ શહેરોમાં 11થી વધુ ગુનાઓ
- મધ્યપ્રદેશના વિવિધ શહેરોમાં 12થી વધુ ગુનાઓ
- પંજાબ, રાજસ્થાન, હિમાચલપ્રદેશ, દિલ્હીમાં કુલ મળીને 30થી વધુ ગુનાઓ
આરોપી પોતાના સાગરીત મુકેશ પરમેશ્વર મેનન સાથે મળીને મુંબઈના મહાત્મા ફુલે વિસ્તારમાં આવેલા બેંકમાં ચીટિંગના ગુના માટે ગયો હતો. ત્યારે પોલીસ તેમને પકડવા દોડી હતી પણ આરોપીઓએ પોલીસના માણસોને નીચે કચડી દેવા માટે પોતાની ફોર વ્હીલર ગાડી ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ નાસી ગયા હતા.