
બોગસ બીલ બનાવવાનું સાહિત્ય, રોકડ રકમ અને વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી
સુરત શહેરમાં જી.એસ.ટી.ના બોગસ બિલિંગના સામે હવે ઇકો સેલ દ્વારા મોટી કાર્યવાહી જોવા મળી છે. શહેરની ઇકો સેલ પોલીસે ગુપ્ત માહિતીના આધારે શહેરના વેસુ વિસ્તારમાં આવેલા એક ફિલ્મી અંદાજમાં ફ્લેટમાં ઘૂસી, જ્યાં એક એકાઉન્ટન્ટના ઘરમાંથી અનેક બીલો બનાવવા માટેના પુરાવાઓ, લાખોની રોકડ રકમ મળી આવેલ છે. પોલીસ ત્યારે ચોંકી ગઈ જ્યારે મોંઘી વિદેશી દારૂની બોટલો મળી હતી.
સુરતના VIP કેનાલ રોડ પર આવેલા ભવ્ય અને આધુનિક બિલ્ડીંગ ‘ડ્રીમ પેલેસ’ ના ફ્લેટ નં. B/1002માં રહેતા નિહાલ ગોપાલ ખેમકા નામના એકાઉન્ટન્ટના ઘરમાં ઈકો સેલની ટીમે અચાનક દરોડા પાડી ચોપડાઓ ખોલવા લાગ્યા ત્યારે એક પછી એક ચોંકાવનારા કથિત પુરાવાઓ મળી આવતાં પોલીસ પણ આશ્ચર્યચકિત બની ગઈ હતી.
પોલીસે જ્યારે ફ્લેટના એક રૂમમાં કબાટ ખોલી તપાસ શરૂ કરી ત્યારે અંદરથી એક કાપડની થેલી મળી, જેમાં રૂ.500ની નોટોના 16 બંડલ અને રૂ.200ની નોટોના 11 બંડલ મળી આવ્યા હતા. કુલ રોકડ રકમ રૂ.10,20,000 જેટલી મળી આવી હતી. આ મુદ્દામાલ અંગે આરોપી નિહાલ ખેમકાએ કોઈપણ સંતોષકારક જવાબ આપ્યો નહોતો.
પોલીસે વધુ તપાસ કરતાં કબાટમાંથી ચાર અલગ અલગ કાગળો પણ મળ્યાં, જેમાં અલગ અલગ વ્યક્તિઓના નામે ટાઈપ કરેલા ગેરકાયદે હિસાબ-કિતાબ, રેટ, ચાર્જ, દિવસો, ટી.ડી.એસ. વિગેરે લખેલા પુરાવા મળ્યાં હતાં. આ કાગળો પરથી પકડી શકાય તેમ છે કે બોગસ બિલિંગ કેવી રીતે ચલાવવામાં આવતું હતું.
ફ્લેટની અંદર વધારે તપાસ કરતાં કબાટની ઉપરના ખાનામાંથી અલગ અલગ બ્રાન્ડની મોંઘી વિદેશી દારૂની 9 જેટલી બોટલો મળી આવી હતી, જેમાં જેક ડેનિયલ્સ, બ્લેક લેબલ સહિતના મોંઘા બ્રાન્ડની બોટલો હતી, જેની બજાર કિંમત રૂ.39,385 જેટલી થાય છે. આરોપી પાસે દારૂ રાખવાનો કોઈ લાઈસન્સ કે પરમીટ નહોતું હોવાથી તેના વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ પણ અલગ ગુનો નોંધવામાં આવ્યો છે.