
નકલી PSI પાસે આઈ કાર્ડ માંગ્યું તો કહ્યું – હું રજા પર છું PSOને મોબાઇલમાં વર્દી પહેરેલો ફોટો બતાવ્યો, આખરે ભાંડો ફૂટ્યો
આપણો માણસ છે, જોઈ લેજો, હું વિજીલન્સમાં પીએસઆઈ છું, એમ કહી સરથાણા પોલીસ સ્ટેશનમાં પીએસઓને મોબાઇલમાં પોતાનો વર્દીવાળો ફોટો બતાવી નકલી પીએસઆઈએ નશો કરેલા 2 શખ્સોને છોડાવવા આવ્યો હતો. આ દરમિયાન મહિલા પીઆઈ ઝાલા ચેમ્બરની બહાર નીકળી હતી તે વખતે પીએસઓ વિજીલન્સના પીએસઆઈની ભલામણની વાત તેઓને કરી હતી.
આથી પીઆઈએ વિજીલન્સના પીએસઆઈને પૂછ્યું કે તમે વિજીલન્સમાં ક્યાં ફરજ બજાવો છો, તે સમયે નકલી પીએસઆઈએ ગાંધીનગર ખાતે નવા બનેલા વિજીલન્સના પોલીસ સ્ટેશનમાં પીઆઈ રાણા સાહેબની સ્કોવોડમાં છું. પીઆઈ ઝાલાએ આ બાબતે વિજીલન્સમાં તપાસ કરાવી હતી. જેમાં પીઆઈ રાણા કરીને કોઈ વિજીલન્સમાં ફરજ બજાવતા ન હોવાનું સામે આવ્યું હતું.
આથી પીઆઈ ઝાલાએ નકલી પીએસઆઈ પાસે આઈકાર્ડ માંગ્યો તો તેણે કહ્યું કે હું રજા પર છું. પછી પીઆઈએ તેને કેટલાક સવાલો કરતા આખરે તેનો ભાંડો ફુટી ગયો હતો. સરથાણા પોલીસે જાતે ફરિયાદી બનીને નકલી પીએસઆઈ રોનક વિનુ કોઠારી (33) (રહે, નિર્મળનગર, સરથાણા, મૂળ રહે, સાવરકુંડલા, અમરેલી)ની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે