
ટ્રેન મારફતે સ્કૂલબેગમાં નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરત રેલવે સ્ટેશન પર ઉભેલી રાજકોટ-સીકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પડેલી સ્કૂલબેગ પાસે જઈ સ્નીફર ડોગ ભસવા લાગ્યો હતો. જેથી સુરત રેલવે પોલીસે સ્કૂલબેગમાં તપાસ કરતા 4 કિલો ગાંજો ઝડપાયો હતો. હાલ તો રેલવે પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બિનવારસી પડેલી બેગ સ્નીફર ડોગ ડ્રેકથી ચેક કરાવતા ડોગ એકદમ ભસવા લાગ્યો હતો. જેથી ડોગ હૅન્ડલર હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહએ આ ડોગ બેગમાં નશીલો માદક પદાર્થ હોવાનો સંકેત આપતો હોવાનું જણાવ્યુ હતું. સ્કૂલ બેગ બાબતે આજુબાજુના પેસેન્જરોને આ બેગ કોની છે? જે અંગે પૂછપરછ કરતાં આ બેગનુ કોઇ માલિક મળી આવ્યું નહિ. જેથી બેગની તપાસ કરતા 44,500 રૂપિયાનો 4.450 કિલો ગાંજો મળી આવ્યો હતો.
અજાણ્યો ઇસમ પોતાના આર્થિક લાભ માટે પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે આયાત કરી પોલીસમાં પકડાય જવાના ડરથી બીનવારસી હાલતમાં છોડી નાસી ગયો હોવાનું સામે આવ્યું હતું. સુરત રેલવે પોલીસ દ્વારા આ બિનવારસી બેગના માલિકની શોધખોળ હાથ ધરી છે.