
દુબઇ ભાગી ગયેલો આરોપી 7676 કિલોમીટરનો પ્રવાસ ખેડી પોલીસથી બચવા ધોરાજી પોતાના સંબંધીના ત્યાં આવી છુપાયો હતો. જ્યાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો.વર્ષ 2024માં સચિન વિસ્તારમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા રૂપિયા 55.48 લાખની કિંમતના એમ.ડી.ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીની શહેર SOG એ ધોરાજીથી ધરપકડ કરી છે. અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આદિલ અલફાઝ નામના ઇસમોની સંડોવણી ડ્રગ્સ કેસમાં ખુલતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. પૂછપરછમાં અલ્ફાઝ દ્વારા આદિલના કહેવા પર આરોપીઓ પાસેથી ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું. જે ડ્રગ્સ કેસમાં સાત માસથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં SOG ને સફળતા મળી છે

સુરત એસઓજીની પકડમાં આવેલા આ શખ્સનું નામ અલફાઝ ઉર્ફે ભૂરીયો ઈકબાલ ગુંડલીયા છે. જે આરોપીની ડ્રગ્સ કેસમાં શહેર એસઓજીએ ધરપકડ કરી છે. આરોપી પોતાની ધરપકડ ટાળવા દુબઇ અને ત્યારબાદ અલગ અલગ દેશ અને રાજ્યમાં જઈ છુપાયો હતો. જ્યાં 7676 કિલોમીટરનો પ્રવાસી ખેડી ગુજરાતના ધોરાજી ખાતે આવેલા પોતાના સબંધીના ત્યાં આવી છુપાયેલા આરોપીને એસઓજી એ ઝડપી પાડ્યો હતો. વર્ષ 2024 માં સપ્ટેમ્બર મહિના દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કપલેથા ચેક પોસ્ટ નજીકથી રૂપિયા 55.48 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચે ઈરફાન મોહમ્મદ ખાન પઠાન, મોહમ્મદ તૌસિફ ઉર્ફે કોકો અને અશફાક કુરેશીની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી મળી આવેલા ડ્રગ્સ અંગેની પૂછપરછ કરતા આદિલ અને અલ્ફાઝ નામના ઇસમોની પણ સંડોવણી સામે આવી હતી. જેથી આ બંને શખ્સોને પણ ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી.