
બે દિવસમાં સિઝનની હાઇએસ્ટ ગરમી નોંધાવાની સંભાવના ઉત્તરના ગરમ સૂકા પવન ફૂંકાતાં સતત બીજા દિવસે પારો 40 ડિગ્રી

શહેરમાં છેલ્લા બે દિવસથી હીટવેવની અસર છે. 8 એપ્રિલે હીટવેવને લઇ યલો એલર્ટ જાહેર કરાયું છે. 10 એપ્રિલ સુધી દરિયા કાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે. શહેરમાં સતત બીજા દિવસે પારો 40 ડિગ્રી રહેતા બપોરે રસ્તા સૂમસામ ભાસતા હતા. જો કે, 13 સુધીમાં પારો 4થી 6 ડિગ્રી ઘટી 35 ડિગ્રી આસપાસ થઈ જશે.
સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી અને લઘુતમ 23.8 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 36 ટકા અને સાંજે 19 ટકા નોંધાયું હતું. ઉત્તર દિશાથી 7 કિમીની ગતિએ ગરમ પવન ફૂંકાયા હતા. રાજસ્થાનના મેદાની પ્રદેશથી ગુજરાત તરફ ગરમ સૂકાભઠ્ઠ પવનોનું જોર વધતાં સમગ્ર રાજ્યમાં એલર્ટ અપાયા છે. આગામી બે દિવસમાં સિઝનની હાઇએસ્ટ ગરમી નોંધાવાની સંભાવના છે. માર્ચમાં 41.8 ડિગ્રી હાઇએસ્ટ ગરમી નોંધાઇ હતી.]