
સુરતમાં 45 આલેમાનું UCC અને વક્ફના વિરોધમાં પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન, મંજૂરી વગર કાર્યક્રમ કરાતાં 23ની અટકાયત

દેશભરમાં કોમન સિવિલ કોડને લઈને જે પ્રકારે ચર્ચાએ વેગ પકડ્યો છે એ પાસ થતાંની સાથે જ વિરોધના સૂર પણ એટલા જ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મુસ્લિમ મહિલાઓનો UCCને લઈને વિરોધ વધુ જોવા મળી રહ્યો છે. સુરતમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા આજે વિરોધપ્રદર્શન કરીને UCC અને વક્ફ બિલના વિરોધમાં પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
પરવાનગી વગર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મુસ્લિમ ધર્મમાં જે ધાર્મિક જ્ઞાન આપે છે એવી મહિલાઓને આલેમા કહેવામાં આવે છે. સુરતના મકાઈ પુલ પાસે અંદાજે 45 જેટલી મહિલા આલેમા દ્વારા UCCના વિરોધમાં પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા તાનાશાહી કરીને UCCનો અમલ કરાવવામાં આવી રહ્યો હોવાની વાત મુસ્લિમ મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી.

પોલીસ 23 આલેમાની અટકાયત કરી હતી મુસ્લિમ ધર્મની મહિલાઓ તેમના રીતિરિવાજ પ્રમાણે તમામ કાર્યો કરી રહી છે, એનાથી તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી થતી નથી. UCCના કારણે તેમના જે હક છે એના પર તરાપ લાગશે એ પ્રકારની વાતો એકત્રિત થયેલી મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી હતી. કોઈપણ પ્રકારની મંજૂરી વગર કાર્યક્રમ કરવામાં આવતાં પોલીસ દ્વારા 23 જેટલી આલેમાની અટકાયત કરવામાં આવી હતી.સરકારનો ખોટી રીતે કાયદો લાગુ કરવાનો પ્રયાસ સુરત શહેર મહિલા કોંગ્રેસ-પ્રમુખ રઈશા શેખે જણાવ્યું હતું કે, સરકાર અમારા જે ધાર્મિક નીતિ-નિયમો છે એમાં દખલ કરવા માટેનો પ્રયાસ કરી રહી છે. અમારા કુરાનમાં અને શરિયતમાં જે પ્રકારે લગ્નવિધિથી લઈને બીજા નિયમો છે એને અમે અનુસરી રહ્યા છે. આ નીતિનિયમોથી અમને કોઈપણ પ્રકારની મુશ્કેલી થતી નથી છતાં પણ કોમન સિવિલ કોડ લાવીને સરકાર અમારી કેટલીક માન્યતા પર પ્રહાર કરી રહી છે, જેનો અમે વિરોધ નોંધાવી રહ્યા છે. વક્ફ બિલને લઈને પણ અમારો સખત વિરોધ છે