
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અમરોલી-વરિયાવ રોડ પર ડ્રેનેજમાં બાળક પડી જતા મૃત્યુ થયાં બાદ પણ તંત્રની આંખ ખુલતી નથી, આ ઘટના બાદ પણ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ડ્રેનેજના ખુલ્લા કે ક્ષતિગ્રસ્ત ઢાંકણા મળી રહ્યા છે પરંતુ કોઈ નક્કર કામગીરી થતી નથી. આજે પુણા વિસ્તારમાં પાલિકાની બેદરકારીના કારણે ડ્રેનેજના એક ક્ષતિગ્રસ્ત ઢાંકણાના કારણે સીટી બસ ફસાઈ ગઈ હતી જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. એક સ્કૂલ નજીક જ ગટરનું ઢાંકણું ક્ષતિગ્રસ્ત હોવાની ફરિયાદ બાદ પણ કામગીરી થઈ ન હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે.
ચાનક બસનું ટાયર ફસાઈ જતાં બસ ઉભી રહી જતા મુસાફરો ગભરાઇ ગયા હતા. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે કે, છેલ્લા બે દિવસથી આ ગટર ઉભરાઈ રહી હતી અને ગટરનું ઢાંકણું પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને જેના કારણે આજે બસ ફસાઈ ગઈ હતી. જો કોઈ ટુ વ્હીલર હોત તો મોટો અકસ્માત થાય અને જીવ જાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.
#SURAT#S.M.C#SURAT CITY BUS