
માથાના દુખાવાની દવા પીધા બાદ 14 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત:આદર્શ નિવાસી સ્કૂલના બાથરૂમ પાસે બેભાન મળી, ઈજાનાં નિશાન મળતાં પરિવારનો હત્યાનો આક્ષેપ; ફોરેન્સિક PM કરાશે

સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે આવેલી આદર્શ નિવાસી કન્યા શાળામાં 14 વર્ષીય વિદ્યાર્થિની યશ્વી વસાવાનું શંકાસ્પદ હાલતમાં મોત થઈ ગયું છે. ગત રાત્રે (3 એપ્રિલ, 2025) માથાના દુખાવાની દવા પીધા બાદ સવારે 4 વાગ્યે બેભાન હાલતમાં બાથરૂમ પાસેથી મળી આવી હતી. જો કે વિદ્યાર્થિની ભાનમાં ન આવતા સુરત સિવિલ ખાતે લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

આ ઘટના અંગે હોસ્ટેલના વોર્ડને પરિવારને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. વિદ્યાર્થિનીના શરીરે ઈજાનાં નિશાન હોવાથી પરિવાર દ્વારા હત્યા થયાની આશંકા સેવવામાં આવી રહી છે. હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરાયું છે. વિદ્યાર્થિનીના મોતનું સાચું કારણ રિપોર્ટ બાદ સામે આવશે.
હોસ્ટેલમાંથી જ માથાના દુખાવાની દવા આપી હતી આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરત જિલ્લાના ઉમરપાડાની આદર્શ નિવાસી કન્યાશાળામાં 14 વર્ષીય યશ્વી અશ્વિનભાઈ વસાવા ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી હતી. યશ્વીના પરિવારમાં માતા-પિતા, ભાઈ અને બહેન છે. 3 એપ્રિલની રાત્રે માથાનો દુખાવો થતો હોવાથી હોસ્ટેલમાંથી તેને દવા આપવામાં આવી હતી અને તેણે પીધી હતી. સવારે ચાર વાગ્યે આસપાસ યશ્વી તેના રૂમમાં ન હોવાથી સાથી મિત્રો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ સાથે હોસ્ટેલના સંચાલકોને પણ જાણ કરી દેવામાં આવી હતી.