
ગામની જગ્યામાં હજારો ટન રેતીનો સ્ટોક, તંત્રના છૂપા આશીર્વાદ
મહુવા તાલુકાના સેવાસણ ગામે દિવસ રાત્રે પૂર્ણા નદીમાં રેતી માફિયાઓ ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. છતાં વહીવટીતંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. પરવાનગી વગર મોટા પાયે રેતી કાઢી બારોબાર વેચી દેવામાં આવી રહી છે, જેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે. ગ્રામ પંચાયતની જગ્યામાં જ રેતીના બે મોટા ઢગલા જોવા મળી રહ્યા છે, છતાં ખાણ ખનીજ વિભાગ કોઈ કાર્યવાહી કરતા ન હોવાનો કેટલાક ગ્રામજનોનો આક્ષેપ છે. સેવાસણ ગામમાં ગેરકાયદે રેતી ખનનના કારણે નદીના પટને મોટું નુકસાન થઈ રહ્યું છે. રેતી ચોરો સેવાસણમાં તો રેતી ચોરી કરે જ છે, પણ બારડોલી તાલુકાના છીત્રા ગામની હદ સુધી બાજ હોડીઓ લાવીને રેતી કાઢી રહ્યા હોવાની પણ વ્યાપક રાવ છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે પર્યાવરણને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. નદીના કિનારે ધોવાણ, જળચર જીવોના આવાસનો નાશ અને પાણીના સ્તરમાં ઘટાડો જેવી ગંભીર સમસ્યાઓ ઉભી થઈ રહી છે. સ્થાનિક ગ્રામજનોમાં આ મામલે ભારે રોષ છે, તેમ છતાં તંત્ર ગાઢ નિદ્રામાં હોય તેમ જણાય છે. ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે ગ્રામજનો અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ સંતોષકારક પગલાં લેવાયા નથી. જો આ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક લગામ નહીં કસવામાં આવે તો પર્યાવરણ અને સરકારી તિજોરીને વધુ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
રાત્રીના સમયે બેરોકટોક ખનન… પૂર્ણા નદીમાં સેવાસણ અને છીત્રા ગામની હદમાં રાત્રિના સમયે ગેરકાયદેસર રેતી ખનન બેફામ બન્યું છે. બાજ હોડીઓ રેતી કાઢી રાતોરાત વેચી દેવામાં આવે છે. આ પ્રવૃત્તિને કારણે છીત્રા ગામ નજીકનો ચેકડેમ જોખમમાં મુકાયો છે અને તેને નુકસાન થવાની ભીતિ છે. એટલું જ નહીં, નદી કિનારે આવેલા મકાનો માટે પણ રેતી ખનન ભયજનક સાબિત થઈ રહ્યું છે. સ્થાનિકો દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે તંત્ર સત્વરે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. રેતી ખનનની મંજૂરી માટે માંગણી કરવામાં આવી છે. જો કે હજી સુધી ખાણ ખનીજ વિભાગમાંથી મંજૂરીનો કોઈ પત્ર આવ્યો નથી. જ્યાં સુધી મંજૂરી ન મળે ત્યાં સુધી રેતી ખનન ન કરી શકાય. હું તપાસ કરાવું છું. મામલતદાર, મહુવા
રેતી ખનન માટે પરવાનગી હોવાનું અને રેતી સ્ટોકની પણ પરમિશન હોવાનું જણાવ્યું હતું. અહીં ખાણ ખનીજના અધિકારીઓ અઠવાડિયામાં એક વખત આવતા હોવાનું જણાવી રેતી માફિયાનો બચાવ કર્યો હોવાનું લાગે છે. કારણ મહુવા મામલતદાર મંજૂરી મળી ન હોવાનું જણાવ્યું છે. -હેમંત પટેલ, ગામના સરપંચ