
બાઇકચોરી, ચેન-સ્નેચિંગ કરી ટ્રેનથી યુપી ભાગી ગયા હતા, પોલીસે પ્રયાગરાજ જઈને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે 3 ગુનેગારને ઝડપ્યા
સુરત શહેરમાં ચોરી અને ચેન સ્નેચિંગના સતત વધતા ગુનાઓની સ્થિતિ વચ્ચે ક્રાઈમ બ્રાંચે ઉત્તર પ્રદેશથી આવેલી એક ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડી ગુનાઓની કડી ઉકેલી છે. આરોપીઓ યુપીથી સુરત શહેરમાં આવી મહિલાઓ અને વૃદ્ધોને નિશાન બનાવી ચોરી અને ચેન સ્નેચિંગને અંજામ આપતા હતા. 19 એપ્રિલ, 2025ના રોજ થયેલી ઘટના બાદ ગુનાનો ભેદ ઉકેલતા પોલીસે ત્રણ આરોપીઓને તેમના વતન પ્રયાગરાજ જઈને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.
ખેડૂતની ગળાની ચેન લૂંટી 3 આરોપી ફરાર લસકાણા-ભાદાગામ રોડ પર નકળગ મોગલધામ નજીક એક 65 વર્ષીય ખેડૂત રમણભાઈ છોટુભાઈ પટેલ પોતાનું દૈનિક કામ પૂરુ કરીને મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ત્રણેય અજાણ્યા શખસોએ તેમની પાછળથી આવી મોટરસાયકલ રોકવા કહ્યું હતું. જયારે ખેડૂત મોટરસાયકલ ઉભી રાખી, ત્યારે તેઓના ગળામાં પહેરેલી સોનાની ચેન લૂંટી ત્રણેય જણા મોટરસાયકલ લઈને ફરાર થઈ ગયા હતા.
આરોપીઓ ઉત્તરપ્રદેશના હોવાનું સામે આવ્યું હતું ખેડૂતે લસકાણા પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સથી મળેલી માહિતીના આધારે આરોપી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તુરંત ટીમ મોકલી ત્રણેય આરોપીઓને તેમના વતનથી ઝડપી પાડ્યા હતા.
કામરેજમાંથી બાઇક ચોરી કરી ચેન સ્નેચિંગને અંજામ આપ્યો ઝડપાયેલા આરોપીઓમાં ઇન્દ્રજીત ઉર્ફે ઇન્દ્રપાલ પુત્ર ફુલચંદ કુર્મી પટેલ (ઉ.વ. 32, રહે. સરાઇમદનસિંગ, થાના હોલાગઢ, જી. પ્રયાગરાજ), સચીનસિંહ રાવેન્દ્રબહાદુરસિંહ (રહે. જલિયાસઈ, હોલાગઢ, જી. પ્રયાગરાજ), અને ઇન્દ્રપાલ ઉર્ફે રીંકુ પુત્ર પ્યારેલાલ વિશ્વકર્મા (રહે. ચગાઈપુર, થાના દેલહુંપુર, જી. પ્રતાપગઢ)નો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓએ કામરેજ વિસ્તારમાંથી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી કરી હતી, અને ત્યારપછી લસકાણા વિસ્તારમાં ચેન સ્નેચિંગનો ગુનો આચર્યો હતો. તેઓએ ચોરી કરેલ મોટરસાયકલ લક્ષ્મી મોહન ઇન્ડસ્ટ્રીઝ પાસે પાર્ક કરી ટ્રેન દ્વારા ઉત્તરપ્રદેશ ફરાર થઈ ગયા હતા.
કુલ રૂ. 3,92,700નો મુદ્દામાલ કબ્જે કર્યો પોલીસે આરોપીઓ પાસેથી કુલ 36.420 ગ્રામ વજનની સોનાની ચેન, કિંમત રૂ. 3,42,700/-, ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂ. 20,000/-, તથા હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત રૂ. 30,000/- મળી કુલ રકમ રૂ. 3,92,700/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લસકાણા પોલીસ સ્ટેશનને સોપાયા ચોંકાવનારી બાબત એ છે કે મુખ્ય આરોપી ઇન્દ્રજીત ઉર્ફે ઇન્દ્રપાલ વિરુદ્ધ પહેલા પણ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલ છે, જેમાં વરાછા તથા ગોડાદરા પોલીસ સ્ટેશનમાં કલમ 368 અને 114 હેઠળના ગુનાઓ સામેલ છે. તેમ જ ઇન્દ્રપાલ ઉર્ફે રીંકુ વિરુદ્ધ સચીન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લસકાણા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યા છે.