
મંદીના માહોલ વચ્ચે રોકોર્ડ બ્રેક વાહનોનું વેચાણ:સુરતીઓએ છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તોડી 2024-25માં 1.92 લાખ વાહન ખરીદ્યા; પાલિકાને 153 કરોડની આવક
ઔદ્યોગિક નગરી સુરત શહેરમાં છેલ્લા એક બે વર્ષમાં મહત્વના એવા સુરત ડાયમંડ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સામાન્ય સંજોગોમાં મંદીના માહોલમાં લક્ઝરીયસ વસ્તુનું વેચાણ ઓછું થઈ જતો હોય છે. વેપાર ધંધાની ગતિ ધીમી હોવા છતાં વાહનોના વેચાણમાં શહેરીજનોએ છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. અગાઉ 2018-19માં પાલિકાના ચોપડે 1.89 લાખ વાહનો નોંધાયા હતા અને પાલિકાને 91.68 કરોડ રૂપિયાની આવક થઇ હતી. જ્યારે તેની સામે વર્ષે 2024-25માં 1.92 લાખ વાહનોના વેચાણથી પાલિકાને 153 કરોડ રૂપિયાની આવક થઇ હતી.
વેપાર-ઉદ્યોગમાં મંદીની બુમરાણ વચ્ચે વાહન ખરીદીની ગતિ તેજ શહેરની ઓળખાણ સમાન હીરાઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં મંદીનો દોર છે. વિદેશમાં ડિમાન્ડના અભાવે હીરાઉદ્યોગમાં મોટી સંખ્યામાં કારખાનાઓમાં ઉત્પાદન પર કાપ મૂકવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બની ગયા છે. જ્યારે કાપડ ઉદ્યોગમાં પણ અમુક ક્વોલિટી સિવાય મોટાભાગની સાડીઓ અને ડ્રેસ મટીરિયલ્સમાં વેચાણ સામાન્ય છે. વેપાર-ઉદ્યોગમાં મંદીની બુમરાણ સંભળાઇ રહી છે, પરંતુ વાહનોના વેચાણમાં તેની અસર દેખાતી નથી. પાલિકાના ચોપડે છેલ્લા 8 વર્ષમાં સૌથી વધારે વાહનો ગત વર્ષે વેચાયા હોવાનું નોંધાયું છે. જેનો ફાયદો પાલિકાની તિજોરીને પણ થયો છે. પાલિકાએ ગત વર્ષે 2024-25માં વાહન ટેક્સ પેટે 150 કરોડ રૂપિયાની આવકની શક્યતા હતી, પરંતુ તેનાથી પણ વધુ 153 કરોડની આવક થઇ હતી. 2023-24માં પાલિકાને 145 કરોડ રૂપિયાની આવક થઇ હતી. એટલે કે મંદીના માહોલની વચ્ચે પણ પાલિકાની આવકમાં 8 કરોડનો વધારો થયો હતો.
છેલ્લા 8 વર્ષમાં પાલિકાની ટેક્સ રિકવરી સૌથી વધુ નાણાકીય વર્ષ 2024-25માં કુ1,92,290 વાહનો વેચાયા હતા. જે પૈકી સૌથી વધુ 1,37205 ટુ-વ્હીલર પાલિકાના ચોપડે નોંધાયા હતા. જેના થકી પાલિકાને 25.78 કરોડ રૂપિયાની આવક થઇ હતી. જ્યારે 28,471 ફોર વ્હીલર નોંધાયા હતા. જેથી પાલિકની તિજોરીને 108.35 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. જ્યારે 9,916 થ્રી-વ્હીલર અને અન્ય 3403 જેટલા કોમર્શિયલ વાહનોની ટેક્સ પેટેની 20 કરોડ જેટલી આવક પાલિકાને મળી હતી.