
અલથાણમાં દેશનું પ્રથમ હાઈટેક બસ સ્ટેશન શરૂ, જાણો તેની ખાસિયત
સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ ખાતે દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ સ્ટેશન’ બનાવવામાં આવ્યું છે, જે ગ્રીન એનર્જી અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક છે. રૂ. 1.60 કરોડના ખર્ચે GIZના સહયોગથી નિર્મિત આ સ્ટેશન 100 કિલોવોટના સોલાર પ્લાન્ટ અને 224 કિલોવોટ-અવરની બેટરી સ્ટોરેજ સિસ્ટમથી સજ્જ છે.
સુરત, એક એવું શહેર જે પોતાના અનેક ઉપનામો અને નવીન પહેલો દ્વારા દેશ-વિદેશમાં ચર્ચામાં રહે છે, ત્યારે ફરી એકવાર ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત શહેર નવા આયામો સ્થાપી રહ્યું છે. આ વખતે વાત અલથાણ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્મિત દેશના પ્રથમ ‘સ્માર્ટ બસ સ્ટેશન’ની છે. આ પાયલટ પ્રોજેક્ટ ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં મહત્વનું પગલું છે, જે સુરતને ફરી એકવાર દેશના નકશા પર અગ્રેસર બનાવે છે.
આ પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા GIZ (Deutsche Gesellschaft für Internationale Zusammenarbeit)ના સહયોગથી રૂ. 1.60 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્માર્ટ બસ સ્ટેશન 100 કિલોવોટના રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને 224 કિલોવોટ-અવરની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)થી સજ્જ છે. આ સિસ્ટમ દ્વારા ઇલેક્ટ્રિક બસો માટે 24*7 ગ્રીન ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દિવસે સૌર ઊર્જાથી ઉત્પન્ન થતી વીજળી સેકન્ડ લાઇફ બેટરીઓમાં સંગ્રહાય છે, જે રાત્રે બસોને ચાર્જ કરવા માટે વપરાય છે. આનાથી ગ્રીડ પરનો ભાર ઘટે છે અને નવીનીકરણીય ઊર્જાનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે.