
3 વર્ષની બાળકીની અન્નનળીમાં બે સિક્કા ફસાયા, 20 મિનિટમાં એન્ડોસ્કોપીથી બહાર કાઢી તબીબોએ નવજીવન આપ્યું
સુરતમાં 3 વર્ષની બાળકી ઘરે રમતા-રમતા બે સિક્કા ગળી ગઇ હતી. બાળકીને સારવાર અર્થે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં અન્નનળીમાંથી એક રૂપિયો અને બે રૂપિયાના એમ બે ફસાયેલા સિક્કા હોવાનું સામે આવ્યું હતું. જેથી, તાત્કાલિક એન્ડોસ્કોપી કરી 20 મિનિટમાં સિક્કા બહાર કાઢી બાળકીને પીડામાંથી રાહત આપવામાં આવી હતી.

3 વર્ષીય બાળકીને સારવાર માટે ડાયમંડ હોસ્પિટલ લાવવામાં આવી સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ (ડાયમંડ હોસ્પિટલ)માં રાત્રે 8:30 વાગ્યે કાપોદ્રા વિસ્તારમાં આવેલી સાઈનાથ સોસાયટીમાં રહેતી 3 વર્ષીય દર્દી માનવી સરજીત રાયને અન્ય હોસ્પિટલમાંથી સારવાર માટે ડાયમંડ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવી હતી.
બાળકીને ગાળામાં સતત દુ:ખાવો થતો હતો દર્દીના એક્સ-રે પરથી માલૂમ પડ્યું કે, બાળકીના ગળાથી નીચે અન્નનળીમાં બે સિક્કા ફસાઈ ગયા છે અને તેનાથી બાળકીને ગાળામાં સતત દુ:ખાવો અને અન્નનળી બ્લોક થઈ જવાથી કશું જ ગળે ઉતારી શકે તેમ નહોતી. હોસ્પિટલના ડોક્ટર દ્વારા કેસની ગંભીરતાને ધ્યાનમાં લઇ તેમની સઘન સારવાર ચાલુ કરી હતી. હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, એનેસ્થેટીક અને ઓ.ટી. સ્ટાફ દ્વારા એન્ડોસ્કોપી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ઘરે રમતા-રમતા સિક્કા ગળી ગઈ હતી ડોક્ટરોની ટીમ દ્વારા 20 મિનિટમાં બાળકીની અન્નનળીમાંથી એક રૂપિયો અને બે રૂપિયાના એમ બે ફસાયેલા સિક્કા એન્ડોસ્કોપી કરી કાઢી બાળકીને પીડામાંથી રાહત આપવામાં આવી હતી. બાળકીના વાલીના જણાવ્યા મુજબ બાળકી ઘરે રમતા રમતા સિક્કા ગળી ગયી હતી ત્યારબાદ તેમને અન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી ત્યાં એક્સ-રે કરતા જાણવા મળ્યું હતું કે, તેમના ગાળામાં સિક્કા ફસાઈ ગયા છે પરંતુ, ત્યાં 30થી 35 હાજરનો ખર્ચ જણાવ્યો હતો.

પરિવારે હોસ્પિટલના ડોકટર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ત્યારબાદ બાળકીને ડાયમંડ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ડાયમંડ હોસ્પિટલમાં દર્દીને રાહત દરે સમયસર જરૂરી સારવાર આપી, બાળકીને પીડામાંથી મુક્ત કરી હતી અને આજ રોજ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવી હતી અને બાળકીના પરિવારમાં ખુશી જોવા મળી હતી. ડાયમંડ હોસ્પિટલના ડોકટર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.