
8 અને 5 વર્ષની બાળકીઓને ચોકલેટ આપવાના બહાને રૂમમાં લઇ જઈ 40 વર્ષીય આરોપીએ અડપલા કર્યા, અટકાયત
સુરતના અડાજણ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક જઘન્ય ઘટના સામે આવી છે. 40 વર્ષના યુવાને 5 અને 8 વર્ષની બે માસૂમ દીકરીને ચોકલેટ આપવાની લાલચ આપી તેના ઘરે લઈ ગયો હતો. અહીં બાળકીઓ સાથે શારિરીક અડપલા શરૂ કર્યા હતા. જોકે, 8 વર્ષની દીકરીએ શૌર્ય દર્શાવી આરોપી સામે હિંમતભેર આગળ આવી અને હાથમાં બચકું ભરી બચાવ કર્યો હતો. ત્યારબાદ બન્ને દીકરીઓ ત્યાંથી ભાગી છૂટી હતી. ઘટના અંગે દીકરીના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે

આરોપીને સંતાનમાં એક દીકરી અને એક દીકરો આ અંગેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના શુક્રવારે (16 મે) બપોરે અંદાજે બે વાગે ઘટી હતી. આરોપી વિજય રાઠોડ પોતે છૂટક મજૂરી કરે છે અને તેની પત્ની, દીકરા અને દીકરી સાથે રહે છે. આરોપીની શેરીમાં રહેતા પરિવારને એક 5 વર્ષની દીકરી છે અને 8 વર્ષની એક બાળકી અમદાવાદથી વેકેશનમાં મામાના ઘરે આવી હતી. આરોપીએ આ બંન્ને દીકરીને ચોકલેટ આપવાના લાલચ આપી હતી અને પોતાના રૂમમાં બોલાવી હતી.
છેડછાડ શરૂ કરતા જ 8 વર્ષની બાળકીનો પ્રતિસાદ અહીં આરોપી વિજય રાઠોડે રૂમમાં બંને દીકરીઓ સાથે અડપલા કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે 8 વર્ષની દીકરીએ ડર્યા વગર વિજયના હાથમાં જોરદાર બચકું ભરી લીધુ હતું. આ અચાનક હુમલાથી આરોપી છંકી ઉઠ્યો અને તેણે બાળકીને છોડી દીધી હતી, જેનો ફાયદો ઉઠાવી બંને દીકરી ત્યાંથી તાત્કાલિક ભાગી છૂટી હતી.
રડતાં અવાજે વાત સાંભળી માતા-પિતા ચોંકી ઉઠ્યા બાળકીઓ રડતી-રડતી પોતાના માતા-પિતા પાસે દોડી ગઈ હતી. બાળકીના મુખેથી સમગ્ર હકીકત સાંભળતા માતા-પિતા દંગ રહી ગયા હતાં. તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અડાજણ પોલીસ સ્ટેશન પહોંચીને વિગતવાર લેખિત ફરિયાદ નોંધાવી હતી. અડાજણ પોલીસ ત્વરિત હરકતમાં આવી હતી અને આરોપી વિજયને તેના ઘરની પાસેથી ઝડપી લીધો હતો.

આરોપી સામે પોક્સો-છેડતી સહિતની કલમો હેઠળ ગુનો આ અંગે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે, અડાજણ પોલીસ મથકમાં પોક્સો અને છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બે નાની બાળકી સાથે છેડતી કરનાર આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.