પેટ ડોગના નિયમ બનાવી સજાની જોગવાઈ લાવવા સરકારનો નિર્ણય

અમદાવાદમાં 50 હજાર પેટ ડોગની સામે 5500 લોકોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું, નોંધી લો રજિસ્ટ્રેશનની પ્રોસેસ

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રોટવિલર બ્રિડના પાલતુ શ્વાને કરેલા હુમલામાં 4 મહિનાની બાળકીનું મોત થતા ફરીવાલ પેટ ડોગનો મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં પાલતું શ્વાનના રજિસ્ટ્રેશનની પ્રોસેસ 1 જાન્યુઆરીથી જ શરૂ કરી દીધી હતી. પરંતુ, પાલતું શ્વાન રાખનારા લોકો રજિસ્ટ્રેશનમાં નિરુત્સાહ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં 50 હજાર પેટ ડોગ હોવાનો અંદાજ છે તેની સામે અત્યાર સુધીમાં (13 મે) 5520 લોકોએ જ પોતાના પેટડોગનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 31 મે સુધીમાં જે લોકો પેટ ડોગનું રજિસ્ટ્રેશન ન કરાવે તેઓને નોટિસ ફટકારાશે અને પેનલ્ટીની રકમમાં પણ વધારો કરાશે. આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાએ કેટલ પોલિસીની માફક આગામી દિવસોમાં પેટ ડોગ પોલિસી લાવવાની પણ તૈયારીઓ શરૂ કરી છે. આ સાથે રાજ્ય કેબિનેટમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી. આ ચર્ચાની ફળશ્રુતી જણાવતા પ્રવકત્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ચર્ચાના અંતે એવો નિર્ણય લેવાયો છે કે ડોગને પાળવા માટેના ચોક્કસ નિયમ બનાવવામાં આવશે.

31 મે સુધી પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવી શકાશે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. 1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ સુધી એમ ત્રણ મહિનાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. જોકે અમદાવાદ શહેરમાં પાલતુ શ્વાનની સંખ્યા અંદાજે 50, 000થી વધારે છે છતાં પણ અમદાવાદીઓ પોતાના પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરાવવા ખૂબ જ ઉદાસીનતા દાખવી રહ્યા છે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા વધુમાં વધુ પેટ ડોગ રજીસ્ટ્રેશન થાય તેના માટે પ્રયાસો હાથ ધર્યા છે. પેટ ડોગ રાખનારા લોકોએ આગામી 31 મે સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

31 મે સુધીમાં રજિસ્ટ્રેશન નહીં હોય તો પેનલ્ટી લાગશે CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે શહેરમાં જે નાગરિકો ઘરમાં શ્વાન પાળતા હોય (પેટ ડોગ) એવા શ્વાનની ગણતરી કરવામાં નહોતી આવતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા હવે પેટ ડોગની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 1 જાન્યુઆરીથી 31 માર્ચ એમ ત્રણ મહિના હતી. જેની તારીખ લંબાવીને 31 મે 2025 સુધી કરવામાં આવી છે. શહેરમાં અંદાજે 50000 થી વધુ પેટ ડોગ છે પરંતુ 13 મે સુધીમાં માત્ર 5520 જેટલા નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેથી આગામી 31 માર્ચ સુધીમાં જે લોકો રજીસ્ટ્રેશન નહીં કરાવે તેઓને નોટિસ ફટકારવામાં આવશે અને તેમના રજીસ્ટ્રેશનની પેનલ્ટીની રકમમાં પણ વધારો કરવામાં આવશે.કેટલ પોલિસીની માફક પેટ ડોગ પોલિસી લવાશે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શહેરમાં પશુઓના રજીસ્ટ્રેશન માટે જેમ કેટલ પોલિસી વ્યક્તિ કરવામાં આવી હતી તેમ પાલતુ શ્વાન ( પેટ ડોગ) માટે રજીસ્ટ્રેશન અને લાયસન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના અંતિમ સંસ્કાર માટે ડોગ સ્મશાન બનાવવામાં આવશે જેના ઉપયોગ અને ડોગ લઈને ફરવા પ્રતિબંધ જેવા નિયમો પણ બનાવવામાં આવશે જો કે આ પોલીસી અંગે હાલ વિચારણા હાથ ધરવામાં આવી છે આગામી દિવસોમાં આ બાબતે ચર્ચા વિચારણા કરીને પોલિસી લાગુ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.

આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન રહેશે. જો જરૂર જણાય તો જમાલપુર જગન્નાથ મંદિરની સામે સેન્ટ્રલ સ્ટોર વિભાગમાં આવેલા સીએનસીડી વિભાગમાં સુપ્રિટેન્ડન્ટ અને વેટરનીટી ડોક્ટરનો સંપર્ક કરવાનો રહેશે.મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ્સ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), Rabies free Ahmedabad city ની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ)નું રજીસ્ટ્રેશન 31 મે 2025 સુધીમાં કરાવવાનું રહેશે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં પેટ ડોગ નોંધાયા શહેરમાં નાગરિકો દ્વારા રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ)ના રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં 13 મે 2025 સુધીમાં શહેરમાં 4848 જેટલા માલિકો દ્વારા 5520 જેટલાં ડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધારે પશ્ચિમ વિસ્તારમાં ન્યુ રાણીપ, બલોલનગર, જજીસ બંગલો, ગુલાબ ટાવર, ચાંદલોડિયા, સતાધાર, થલતેજ, બોપલ, પુરવાસણા નારણપુરા, નવરંગપુરા, સાબરમતી ચાંદખેડા, મોટેરા સહિતના વિસ્તારોમાં થયા છે. સૌથી વધારે જર્મન શેફર્ડ, લેબ્રાડોર, સિબેરીયન અને ડોબરમેન સહિતના ડોગનું રજીસ્ટ્રેશન થયું છે. સૌથી ઓછા મધ્ય ઝોન વિસ્તારમાં ડફનાળા, શાહપુર, અસારવા, ખાડિયા, હોસ્પિટલ દુધેશ્વર જેવા વિસ્તારોમાંથી લેબ્રાડોર અને પામેરીયન ડોગનું રજીસ્ટ્રેશન થયું છે.

પેટ ડોગની માર્ગદર્શિકાને હવે નિયમ બનાવી સજાની જોગવાઈ કરાશેઃ સરકારનો નિર્ણય હાથીજણની ઘટનાને ગંભીરતાને જોઇને રાજ્ય કેબિનેટમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી. આ ચર્ચામાં પ્રવકત્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ડોગને પાળવા માટેના ચોક્કસ નિયમ બનાવવામાં આવશે. તો આ મુદ્દે સુત્રોનું કહેવું એવું છે કે, ડોગ પાળવા માટે અને તેની સંભાળ રાખવા સહિતની માર્ગદર્શિકા છે, પણ આ માર્ગદર્શિકાના ભંગ બદલ કેટલી સજા કે દંડની કોઇ જોગવાઇ નથી. ઉપરાંત આ દંડ કે સજાની જોગવાઇ માટે પોલીસે કઇ કાર્યવાહી કરવી અને મ્યુનિસિપલ કોર્પોરેશને કઇ કાર્યવાહી કરવી તેની કોઇ સ્પષ્ટતા ન હોવાથી બધુ ધકેલ પંચા દોઢસોની જેમ ચાલે છે. છેવટે રાજ્ય સરકાર માર્ગદર્શિકાને નિયમોમાં પરિવર્તન કરીને તેના ભંગ બદલ સજા અને દંડની જોગવાઇ લાવશે તેમ સુત્રોનું કહેવું છે. અમદાવાદના હાથીજણની ઘટનામાં જ એવી સ્થિતિ સર્જાઇ હતી કે, રોટવિલર ડોગનો કબજો લેવાનો પણ તેને સાચવે કોણ? પોલીસે સાચવવાનો, મ્યુ. કોર્પોરેશનની જવાબદારી કે કોની જવાબદારી. છેવટે અત્યારે તો કોર્પોરેશને ડોગનો કબજે લીધો છે. આવી રીતે ડોગને પાળવા માટે અનેક ભલામણ છે, પણ તે નિયમ સ્વરૂપે ન હોવાથી અને તેના ભંગ બદલ સજાની જોગવાઇ ન હોવાથી ડોગ પાળવા માટે સાવચેતી રાખવામાં આ‌વતી નથી.

નિયમોના ભંગ બદલ સજા કે દંડની જોગવાઈ નથી ડોગને રાખવા માટે તેના મોંએ મઝલ, ચેન, પોતી ક્યાં કરાવવી તેની માર્ગદર્શિકા છે. બાળકો જ્યાં રમત હોય ત્યાં ગાડર્ન કે સ્કૂલ નજીક ન લઇ જવાય, જાહેરમાં ખોરાક ખવડાવી શકો નહીં, રસીકરણ, ખસીકરણ કરાવ્યું કે નહીં તે સહિતની માર્ગદર્શિકા છે, પણ નિયમો નથી અને નિયમોના ભંગ બદલ સજા-દંડની જોગવાઇ નથી.

23 બ્રિડના ડોગ પર પ્રતિબંધ હતો, પણ ઉઠાવી લીધો દેશમાં 23 પ્રકારના ડેન્જરસ ડોગ પર પ્રતિબંધ હતો, પણ આ પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે. આવા ડેન્જરસ ડોગ પાળવા માટે પણ રાજ્ય સરકાર ચોક્કસ નિયમો લાવશે. ડેન્જરસ ડોગમાં પીટબુલ ટેરીયર, તોસા તમે, અમેરિકન સ્ટાફોર્ડશાયર ટેરિયર, ડોગો આર્જેન્ટીનો, અમેરિકન બુલડોગ, સેન્ટ્રલ એશિયન શેફર્ડ ડોગ સહિત આવી 23 પ્રકારના ડેન્જરસ બ્રીડ પર પ્રતિબંધ હતો, જે હવે ઉઠાવી લેવામાં આવ્યો છે.

FOLLOW US
  • Related Posts

    સુરતનો સ્માર્ટ દોર!

    અલથાણમાં દેશનું પ્રથમ હાઈટેક બસ સ્ટેશન શરૂ, જાણો તેની ખાસિયતસુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ ખાતે દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ સ્ટેશન’ બનાવવામાં આવ્યું છે, જે ગ્રીન એનર્જી અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક છે.…

    FOLLOW US

    કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે

    સુરતમાં ડોગ લાઇસન્સ માટે ચેરમેન-પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત; 1000થી વધુ પેટ ડોગ માલિકોને નોટિસ સુરતમાં તમે કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે. સુરતમાં ડોગ લાઇસન્સ માટે સોસાયટી…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *