
સુરતના સિંધી સમાજે સેના માટે રાહત ફંડ એકત્રિત કરવાની ઝુંબેશ શરૂ કરી, રેલી યોજાઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સમગ્ર દેશમાં દેશ માટે સૈન્યના સમર્થન અને મદદરૂપ થવા વિવિધ સમુદાયો આગળ આવી રહ્યા છે. સુરત શહેરના સિંધી સમાજે પણ દેશ ભક્તિની આ ભાવનામાં યોગદાન આપવા એક વિશેષ પહેલ કરી છે

શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ રામનગર ખાતે સિંધી સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં શહેરના નાના-મોટા વેપારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલી દરમિયાન દેશની સૈન્યને આર્થિક તેમજ તન, મન અને ધનથી મદદરૂપ થવાના સંકલ્પ સાથે રાહત ફંડ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરાઈ છે.

કાર્યક્રમની અધ્યક્ષતા સુરતના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ કરી હતી. તેમણે લોકહિત માટે એકતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે, “આપણા જવાનો દેશની સુરક્ષા માટે પોતાના જીવનનું બલીદાન આપી રહ્યા છે, ત્યારે આપણે પણ આપણા યથાશક્તિ યોગદાનથી તેમને સન્માન આપવું જોઈએ.
સિંધી સમાજના આગેવાનો અને સંગઠનોએ શહેરના જુદા જુદા વેપારીઓ પાસે જઈને પીએમ રાહત ફંડમાં આપવાનાં ફંડ એકત્રિત કરવાની ઝુંબેશ હાથ ધરી છે. વેપારીઓએ પણ રાષ્ટ્રીય કર્તવ્ય સમજીને પોતપોતાની શક્તિ અનુસાર યોગદાન કરવાનું શરૂ કર્યું છે. રેલી દરમિયાન ‘ભારત માતા કી જય’ના નારાઓ ગૂંજી ઉઠ્યા હતા. આ રેલી અને રાહત ફંડ એકત્રિત કરવાની ઝુંબેશના માધ્યમથી સુરતના લોકો એ દેશની સૈન્ય સાથે હોવાનું જણાવ્યું છે અને તણાવભરી પરિસ્થિતિમાં દેશમાં એકતા અને સહયોગનો ઉદાહરણ પૂરું પાડી છે