
સુરત રેલવે સ્ટેશન પર GRP, RPF અને SOGનો કડક બંદોબસ્ત, મોરચા પોઇન્ટ, સીસીટીવી અને ડોગ સ્ક્વોડથી ચેકિંગ
ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવભરી સ્થિતિના પગલે દેશભરનાં રેલવે સ્ટેશનો પર સુરક્ષાની વ્યવસ્થા વધુ મજબૂત બનાવી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા તમામ મહત્ત્વનાં સ્ટેશનો પર પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે. સુરત રેલવે સ્ટેશન પર જી આર પી, આરપીએફ અને એસઓજીનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન ખાતે મોરચા પોઇન્ટ, સીસીટીવી અને ડોગ સ્કોડથી ચારે દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.
પહેલગામમાં પાકિસ્તાન દ્વારા આતંકી હુમલો કરવા માં આવ્યો હતો ત્યારબાદ થી રેલવે સ્ટેશન એરપોર્ટ એસટી સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ચેકિંગ પણ કરવામાં આવતું હતું. દરમિયાન ભારતની પાકિસ્તાન પર સ્ટ્રાઈક બાદ સ્થિતિ વધુ તણાવભરી બની ગઈ છે. જેના પગલે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર જ્યાં વધુ લોકોની અવરજવર થઈ રહી છે ત્યાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
સુરત રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રેલવે પોલીસ, રેલવે પોલીસ ફોર્સ, એસઓજી અને એલસીબીના 25થી વધુ જવાનો દ્વારા રાઉન્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશન ખાતે આવતા વાહનો અને મુસાફરોનો સામાન ચેક કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ મોરચા પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો છે. ગુજરાત રેલવે પોલીસ ના જવાનો દ્વારા મુસાફરોના આઈડી પણ ચેક કરવામાં આવી રહ્યા છે.

સુરત રેલવે સ્ટેશનના પેટ્રોલ પર રહેલા મુસાફરો અને તેમના સામાન સ્નીફર ડોગ ડ્રેક દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. આ સાથે જ સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી સુરત રેલ્વે સ્ટેશનના એક એક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. 86 સીસીટીવી કેમેરા પર ગુજરાત રેલવે પોલીસ પી.આઈ એચ.ડી. વ્યાસ દ્વારા કંટ્રોલ રૂમ પરથી નજર પણ રાખવામાં આવી રહી છે. આ સાથે જ સુરત રેલ્વે સ્ટેશન પર જે પણ ટ્રેન આવે છે તેના કોચમાં સ્નિફર ડોગ સાથે તપાસ કરવામાં આવી રહી છે.
સુરત રેલ્વે સ્ટેશન ખાતે તમામ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને તકેદારીનાં પગલાં લીધાં છે. લોકોમાં ભય ન ફેલાય અને મુસાફરી સુરક્ષિત બની રહે એ માટે ગુજરાત રેલવે પોલીસ, રેલવે પોલીસ ફોર્સ, એસઓજી અને એલસીબીન જવાનો સતત સક્રિય છે. મહત્ત્વપૂર્ણ બાબત એ રહી કે, આ સમયમાં રેલવે વ્યવસ્થામાં કોઈ પ્રકારની વિક્ષેપ કે દોડધામ નોંધાઈ નહોતી. ટ્રેનો નિયમિત રીતે ચાલી રહી હતી અને મુસાફરોને કોઈ અસુવિધાનો સામનો કરવો પડયો ન હતો.
રેલવે સ્ટેશન પર આ સુવિધાઓ વધારામાં આવી છે
(1) રેલવે સ્ટેશનની સુરક્ષા માટે સશસ્ત્ર QTRની રચના કરવામાં આવી છે.
(2) મુસાફરોમાં સુરક્ષા અને આત્મવિશ્વાસનું વાતાવરણ જળવાઈ રહે એ માટે રેલવે વિસ્તારમાં RPF અને GRP દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે.
(3) DFMD, HHMD અને લગેજ સ્કેનર દ્વારા સઘન ચેકિંગ.
(4) ડોગ સ્ક્વોડ યુનિટ સક્રિય કરવામાં આવ્યા છે.
(5) CCTV કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.
(6) કોઈપણ સુરક્ષા સંબંધિત સમસ્યાના કિસ્સામાં અધિકારીઓને અથવા રેલવે હેલ્પલાઇન 139 અને 1512 GRP હેલ્પલાઇનને જાણ કરવા મુસાફરોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
(7) સુરક્ષા સંબંધિત પ્રોટોકોલ માટે નિયમિત જાહેરાત કરવામાં આવી રહી છે.
(8) ટ્રેન એસ્કોટિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.