
પાલિકાના અધિકારીનો બોગસ લેટર બનાવી લેબર વિભાગના લાઇસન્સથી 40 કરોડનો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ મેળવવાનું રેકેટ
- 3 અલગ-અલગ કંપનીના બોગસ ડોક્યુમેન્ટ મળતા તમામનાં લાઇસન્સ રદ કરી દેવાયાં
- કોન્ટ્રાક્ટ મેળવવા લેબર વિભાગનું લાઇસન્સ ફરજિયાત, જે પાલિકાના અધિકૃત લેટરથી મળે છે, લેબર વિભાગની પણ શંકાસ્પદ ભૂમિકા
પાલિકામાં 9 ઝોન અને BRTSમાં સિક્યુરિટીનો 40 કરોડનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે 3 એજન્સીએ પાલિકાના અધિકારીના બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરીને લાઇસન્સ મેળવ્યાં હોવાની પાલિકા કમિશનરને 8 ફરિયાદો મળી હતી, જેથી ચીફ સિક્યુરિટી ઓફિસર જાગ્રત નાયકે ત્રણેય એજન્સી પાસે ડોક્યુમેન્ટ મંગાવીને ખરાઈ શરૂ કરી હતી, જેમાં લેબર ખાતામાં રજૂ કરાયેલું બાંયધરીપત્રક જ બોગસ હોવાનું ખુલ્યું છે. એટલું જ નહીં જાગ્રત નાયકની સહી પણ ખોટી હતી તથા પત્રકમાં ઠરાવનો નંબર પણ બોગસ લખાયો હતો.
અહીં ગંભીર બાબત તો એ છે કે, બેલર ખાતાના અધિકારીએ પણ આ ગોબાચારીમાં પાલિકાના પત્ર બાબતે કોઈ જવાબ રજૂ કરવાની દરકાર સુદ્ધા લીધી ન હતી, જેથી જાગ્રત નાયકે તેમની રૂબરૂ મુલાકાત લીધી હતી, જેમાં તેમણે ગોળગોળ જવાબો આપ્યો હતો. આખરે ત્રણેય એજન્સીનું લાઇસન્સ રદ કરાયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે સીએસઓએ તેમણે આડેહાથ લઈને આવા બોગસ બાંયધરીપત્રકના આધારે લાઇસન્સ 5 વર્ષ લંબાવી આપતાં પહેલાં પાલિકાને અચૂક જાણ કરવા સૂચના આપી હતી.
એમ.કે. સિક્યુરિટી, શક્તિ સિક્યુરિટી અને શક્તિ પ્રોટેક્શન ફોર્સને બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત કરાશે
બાંયધરીને આધારે કઈ રીતે લેબર લાઇસન્સ આપી શકે
નિયમો કડક કરી કંપની અને મોલના અનુભવને પણ ગ્રાહ્ય ગણાશે
સિક્યુરિટી એજન્સીએ પાલિકાના અધિકારીના બોગસ લેટરના આધારે લાઇસન્સ મળવ્યા હતા
પાલિકામાં વાર્ષિક 40 કરોડના ખર્ચે સિક્યુરિટી કોન્ટ્રાક્ટના જારી કરાયેલા ટેન્ડરોમાં 23 એજન્સીઓની ઓફર મળી હતી, જેમાંથી ક્વોલિફાય થયેલી 9 પૈકી 3 એજન્સીએ બોગસ સર્ટિફિકેટના આધારે લેબર વિભાગનું લાઇસન્સ મેળવ્યું હતું. આ ત્રણેય એજન્સીઓ એમ.કે સિક્યુરિટી, શક્તિ સિક્યુરિટી અને શક્તિ પ્રોટેક્શન ફોર્સનાં લાઇસન્સ રદ કરી દેવાયાં હોવાનું જાગ્રત નાયકે જણાવ્યું હતું, જેથી હવે 9 ઝોનમાં આવેલા બાગ-બગીચા, ઝોન કચેરી, વોર્ડ ઓફિસ સહિતનાં સ્થાનો તેમજ બીઆરટીએસ શેલ્ટરો મળી 700 જેટલાં પોઈન્ટ પર સિક્યુરિટી સુપરવાઇઝર, ગનમેન અને સિક્યુરિટી ગાર્ડ સપ્લાય કરવા માટે હવે 6 એજન્સી મેદાનમાં છે. આ ત્રણેય એજન્સીઓએ લેબર વિભાગ સાથે છેતરપિંડી કરી છે તેમ મહાપાલિકા ને પણ કોન્ટ્રાક્ટ મેળવવા છેતરી હોય બ્લેકલીસ્ટ માટે દરખાસ્ત કરવામાં આવશે.
‘પાલિકાનો વર્ક ઓર્ડર ન હતો, માત્ર બાંયધરી આપી દીધી હતી. માત્ર બાંયધરીપત્રક પર જ લેબર વિભાગે લેબર લાઇસન્સ પણ આ ત્રણેય એજન્સીઓને ફાળવી આપ્યું હતું. લેબર વિભાગ માત્ર બાંયધરીને આધારે કઈ રીતે લેબર લાઇસન્સ આપી શકે તે પણ 5 વર્ષનું ફાળવી દીધું છે, જેથી લેબર વિભાગના લાઇસન્સ આપનારા અધિકારી ઉપર પણ શંકા ઉપજી રહી છે. એટલું જ નહીં, આ બાંયધરીપત્રકમાં સ્થાયી સમિતિનો ઠરાવ નંબર જે 1702-2021 લખ્યો છે તે પણ ખોટો મેન્શન કર્યો છે તેમજ મારી સહી પણ ખોટી કરી દીધી છે.’ > જાગ્રત નાયક, ચીફ સિક્યુરિટી ઓફિસર, મહાપાલિકા
નવા ટેન્ડરમાં સ્ટાફ સપ્લાય તથા અનુભવના ક્રાઇટેરિયા અગાઉની તુલનામાં કડક કરવામાં આવ્યા હતા તેમજ મલ્ટિનેશનલ કંપનીઓ, 300થી વધુ રૂમ ધરાવતી હોટલો, 200થી વધુ રૂમ ધરાવતા શોપિંગ કોમ્પલેક્સ, મોલ, મલ્ટિપ્લેક્સ, ઓડિટોરિયમમાં સિક્યુરિટી સપ્લાયનો નિયત અનુભવ ધરાવતી એજન્સીઓને પણ પાલિકા દ્વારા બીડ કરવા માટેની તક આપવામાં આવી હતી.