
ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી અને પત્નીના નામે ઈન્સ્ટાગ્રામ પર ત્રણ એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. વેપારીની પત્નીએ એક મોડલ ઉપર સોશિયલ મીડિયા મારફતે ચરિત્રહન કર્યાનો ગંભીર આરોપ ઉઠાવ્યો છે. ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતી ખ્યાતિ મિતેશ જૈન દ્વારા મોડલ વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર ખ્યાતિ તથા તેના પતિ મિતેશના ફોટાઓ સાથે સોશિયલ મીડિયામાં બિભત્સ લખાણ પોસ્ટ કરી મોડલે ત્રણેય ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફતે તે વાઇરલ કર્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ખ્યાતિબેન છેલ્લા કેટલાય વર્ષોથી સોશિયલ મીડિયા પર સક્રિય છે અને પોતાની માત્ર એકજ ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. ચલાવે છે. તેમ છતાં અચાનક તા. 22 એપ્રિલ, 2025ના રોજ તેમને એક અજાણી આઈડીમાંથી એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, જેમાં તેમના તથા તેમના પતિના ફોટા અને અસભ્ય ટિપ્પણીઓ દર્શાવતી પોસ્ટ્સ નજરે પડી. ત્યારબાદ ક્રમશઃ વધુ બે આઈડીમાંથી પણ તેમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મળતી ગઈ.
આઈડીમાં મુકાયેલા ફોટાઓ અને કમેન્ટ્સ માત્ર ખ્યાતિબેન અને મિતેશ જૈન પૂરતાં જ સીમિત ન હતા. તેમના સસરા, નણંદ અને માતા-પિતાને પણ આઈડીમાંથી રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. જો કે, કોઈએ તે સ્વીકારી નહોતી. તે સમયે ખ્યાતિબેનના પતિ મિતેશ વિદેશ પ્રવાસે ઓમાન ખાતે ગયા હતા. તેઓએ પત્ની ખ્યાતીને જણાવ્યું હતું કે, આઇડી મોડલ દ્વારા બનાવવામાં આવી છે જેથી તેઓએ પત્નીને ફરિયાદ કરવા જણાવ્યું હતું.
આ મોડલે અગાઉ પણ વેપારી મિતેશ જૈન વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જો કે, ત્યાર બાદ બંને વચ્ચે સમાધાન થઇ ગયું હતું. આરોપ છે કે સમાધાન છતાં ફરી એકવાર આ મોડલે સોશિયલ મીડિયાને હથિયાર બનાવી ખ્યાતિ અને તેના પતિના નામે ફેક એકાઉન્ટ બનાવી સોશિયલ પ્લેટફોર્મ પર માનસિક ત્રાસ આપી રહી છે. ફરીયાદી ખ્યાતિબેને પોલીસને જણાવ્યું હતું કે, આ ફેક આઈડીમાંથી પોસ્ટ થયેલા તમામ ફોટાના સ્ક્રીનશોટ કાઢી તેઓએ પુરાવા સ્વરૂપે પોલીસને સોંપ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે IPC 176 મુજબ ગુનો નોંધ્યો છે.