
પૂર્વ રેલવે PAC સભ્ય, પૂર્વ નગરસેવક છોટુભાઈ પાટીલના ૬૧મા જન્મદિવસની નવી સિવિલમાં સેવાસભર ઉજવણી
સિવિલના દર્દીઓની સુવિધા માટે છોટુભાઈ પાટીલ દ્વારા ૫ વ્હીલચેર, ૩ ટ્રાઇસિકલ, ૫ બગલઘોડી, ૫ વોકર, ૧૭૧ બાળકોને રમકડા, થાળી-વાટકાનો સેટ તેમજ ૧૧૦૦ દર્દીઓને ફ્રૂટ વિતરણ

સગર્ભા, ધાત્રી માતાઓને સાડી, બેબી પોષણ કીટ, સફાઈ કામદાર બહેનોને સાડી અર્પણ કરી જન્મદિનની ખુશીઓ નવી સિવિલમાં વહેંચીસમાજના કેટલાક શ્રેષ્ઠીઓ પોતાની ખુશી અન્યો સાથે વહેંચવામાં અનોખો સંતોષ અને ખુશી અનુભવતા હોય છે, પૂર્વ રેલવે PAC સભ્ય અને પૂર્વ નગરસેવક છોટુભાઈ પાટીલ એક એવા સેવાભાવી શ્રેષ્ઠી છે, જેમણે તેમના ૬૧મા જન્મદિવસની ખુશીઓ નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓને મદદ કરીને વહેંચી હતી. છોટુભાઈ અને પાટીલ પરિવારે સિવિલના દર્દીઓની સુવિધા માટે ૫ વ્હીલચેર અને ૩ ટ્રાઇસિકલ, ૫ બગલઘોડી, ૫ વોકર, ૧૭૧ બાળકોને રમકડા, થાળી-વાટકાનો સેટ, સગર્ભા, ધાત્રી માતાઓને સાડી, બેબી કીટ જેમાં એક-એક કિલો ગોળ, ખજૂર અને ચણા, સફાઈ કામદાર બહેનોને સાડીઓ તેમજ સિવિલના ૧૧૦૦ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને જન્મદિનની સેવાસભર ઉજવણી કરી હતી. સિવિલમાં ફુગ્ગાઓ ઉડાડી સેવા અને સદ્દભાવનો સંદેશ આપ્યો હતો.

‘સેવા પરમો ધર્મ’ના સૂત્રને સાર્થક બનાવતા સમાજસેવી છોટુભાઈ પાટીલ દર વર્ષે જન્મદિવસની ઉજવણી સિવિલ હોસ્પિટલમાં કરે છે, તેમના ૬૧મા જન્મદિનની છેલ્લા ત્રણ દિવસથી સેવાકાર્યો સાથે ઉજવણી થઈ રહી છે.
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ છોટુભાઈને જન્મદિનની શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ૩૫ વર્ષથી નવી સિવિલમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. કોરોનાકાળ, કુદરતી હોનારત, પૂર જેવી આપત્તિઓમાં તેઓ ૨૪ કલાક માટે લોકોની સેવા માટે ખડેપગે રહ્યા છે. જરૂરિયાતમંદ દર્દીઓની સેવા માટે તેમનો ફોન હંમેશા રણકતો રહે છે. રાત્રે પણ મદદ માટે કોઈનો કોલ આવે તો અણગમો વ્યક્ત કર્યા વિના તેઓ ૧૦૮ ની જેમ મદદે પહોંચી જાય છે.

સિવિલમાં સ્વાસ્થ્ય સુધારણાના કામો, વિવિધ બ્લડબેંકો માટે રક્તદાન કેમ્પો માટે પણ હંમેશા અગ્રેસર રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ ગરીબ પરિવારના દર્દીઓ નાણાના અભાવે રઝળી ન પડે એ માટે તેઓ એવા દર્દીઓને નવી સિવિલમાં દાખલ કરાવીને સઘન સારવાર અપાવે છે એમ શ્રી કડીવાલાએ ઉમેર્યું હતું.
શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલે જણાવ્યું કે, છોટુભાઈ પાટિલ સમાજ સેવાનો પર્યાય છે. કોરોનાકાળમાં જીવના જોખમે લોકોની સેવા માટે સતત દોડતા રહ્યા હતા. કેન્સરના દર્દીઓ, દિવ્યાંગજનો, સિવિલના દર્દીઓ, લોહીની જરૂરિયાતવાળા દર્દીઓ કામ થયાના સંતોષ સાથે આશીર્વાદ આપી ઘરે પરત ફરે છે. શહેરની વિવિધ બ્લડ બેંકોમાં લોહીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રહે અને સેવાનો હેતુ સિદ્ધ થઈ શકે તે માટે વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પો, મેડિકલ કેમ્પ અને આંખના નિદાન-સારવાર કેમ્પ યોજી લોકોને મદદ કરે છે.
આ પ્રસંગે શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, નગરસેવકો સર્વશ્રી દીનાનાથ પાટિલ, ગીતાબેન રબારી, ઉર્મિલાબેન ત્રિપાઠી, ડો.બળવંત પટેલ, છોટુભાઈના ધર્મપત્ની રોહિણીબેન, ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, વિભોર ચુગ, બિપીન મેકવાન, નિલેશ લાઠીયા સહિત મેડિકલ અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.