
હેપ્પી એક્સલેન્સિયાના 8મા માળે લાગેલી આગ 11મા માળે પહોંચી; સ્ટીમ બાથ ઉપકરણમાં શોર્ટસર્કિટથી આગનું અનુમાનસુરતના વેસુમાં લક્ઝુરિયસ હેપ્પી એક્સલેન્સિયા બિલ્ડિંગના આઠમા માળે અચાનક આગ લાગી હતી અને એ પ્રસરીને ઉપરના 3 માળ એટલે કે છેક 11મા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આઠમા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતાં અચાનક બ્લાસ્ટ થયો અને ત્યાર બાદ આગ ફાટી નીકળી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 5 ફાયર સ્ટેશનની ટીમને ઘટનાસ્થળે રવાના કરાઈ હતી. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આગને બુઝાવવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ દાઝ્યો હતો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં 18 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આઠમા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી.આઠમાં માળે સ્ટીમ બાથ ઉપકરણમાં આગ લાગી હતી, જ્યારે નવમા માળે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં લાકડાં, પીઓપી, પ્લાયવૂડ અને ફાઇબર સામગ્રી મૂકવામાં આવી હતી. જેના કારણે આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગ નવમા માળેથી 10 અને 11માં માળ સુધી પહોંચી ગઈ હતી.

સૌથી મહત્વની વાત એ છે કે બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકોને ખબર જ નહોતી કે આઠમા માળે કોણ રહે છે. સવારે લોકો મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. ત્યારે અચાનક 7.15 વાગ્યે આગ લાગી હતી. આગની જાણ થતાં લોકો તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક હેપી એક્સિલન્સિયા કેમ્પસમાં પહોંચી હતી, જોકે કેમ્પસની ડિઝાઇનના કારણે ફાયરબ્રિગેડની એક ગાડીને અંદર પહોંચવામાં થોડો સમય લાગી ગયો હતો.હેપ્પી એક્સલેન્સિયામાં એક ફ્લોર પર બે ફ્લેટ આવેલ છે. કુલ છ બિલ્ડિંગ છે અને એક બિલ્ડિંગમાં 5 BHKથી લઈને 7 BHK સુધીના ફ્લેટ આવેલ છે. U-1 બિલ્ડિંગના આઠમાં માળે આગ લાગી હતી. આઠમા માળે લાગેલી આગ 11મા માળ સુધી પહોંચી ગઈ હતી.ફાયર અધિકારી વસંત પરીખે જણાવ્યું કે, સવારે 7.56 વાગ્યે ફાયર વિભાગને કોલ મળ્યો હતો. માન દરવાજા અને વેસુ બાજુથી એમ ત્રણ દરવાજાથી ફાયરની ગાડીઓ મોકલી હતી. વુડન ફ્લોરિંગ, સોફાને કારણે આગ 9માં ફ્લોર સુધી પહોંચી હતી. જ્યાંથી આગ ઉપર સુધી ગઈ હતી. આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોય શકે છે. જો કે તપાસ બાદ જ સાચું કારણ જાણવા મળી શકશે. કોઈ જાનહાનિ થઈ નથી. 18-20 લોકો ફસાયા હતા તેને બચાવી લેવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી પણ કાર્યરત છે. શરૂઆતમાં એનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો