
સાડા સાત વર્ષથી જેલમાં હોવાથી હવે અઢી વર્ષ જ સજા કાપવી પડશે, ઉપાશ્રયમાં યુવતી પર હેવાનિયત આચરી હતી
આઠ વર્ષ અગાઉ સુરતના ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનારા જૈન મુનિ શાંતિસાગરને સેશન્સ કોર્ટે (4 એપ્રિલ, 2025)ના રોજ દોષિત ઠેરવ્યો છે. એડીશનલ સેશન જજની કોર્ટે શાંતિ સાગરને 10 વર્ષની સજા ફટકારી છે.
શાંતિ સાગર ઓક્ટોબર, 2017થી જેલમાં છે. સાડા સાત વર્ષથી જેલમાં હોવાથી હવે અઢી વર્ષ જ સજા કાપવી પડશે. તે ઓક્ટોબર, 2027માં છૂટી જશે.
ઘટના વખતે યુવતી 19 વર્ષની તથા જૈન મુનિની વય 49 વર્ષ હતી. સમગ્ર કેસમાં સરકાર પક્ષે એપીપી રાજેશ ડોબરિયા અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ મુખત્યાર શેખે દલીલો કરી હતી. આરોપીને દોષી સાબિત કરવા માટે પીડિતાની જુબાની, મેડિકલ પુરાવા અને 32 જેટલા સાક્ષી-સાહેદોના નિવેદનો મહત્વના સાબિત થયા હતા.

સમગ્ર સુનાવણીમાં બે જજ બદલાયા, આરોપી શાંતિસાગરે જામીન માટે સુપ્રીમકોર્ટ સુધી પ્રયાસો કર્યાં છતાં 8 વર્ષમાં એકપણ જામીન મળ્યાં નહોતા. તેમજ ટ્રાયલ દરમિયાન પીડિતાના પિતાનું મોત થયું હતું. સુનાવણીમાં પીડિતાને વેશ બદલી આવવું પડતું…અંતે ન્યાય મળ્યો છે.
આ કેસના સરકારી વકીલ નયન સુખડવાલાએ સરકાર તરફથી કડક દલીલો રજૂ કરી હતી અને આરોપી મુનિ સામે મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજાની માંગ કરી હતી. તેમણે દલીલમાં ખાસ કરીને ગુરુના મહિમા દર્શાવતા “ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ…” શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે ગુરુનું સ્થાન માતા-પિતાથી પણ ઊંચું માનવામાં આવે છે. ગુરુનું કામ શિષ્યમાં રહેલા ખોટા વિચારોનો નાશ કરવાનો હોય છે, પરંતુ જ્યારે ગુરુ જ દુષ્કર્મ કરે તો તેની ગંભીરતા ઘણી વધી જાય છે અને સમગ્ર સમાજમાં ખોટો સંદેશ જાય છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ કૃત્યથી પીડિતાને માનસિક અને શારીરિક ક્ષતિ પહોંચી છે. આઘાતમાં પિતા પણ ગુજરી ગયા. પીડિતાને વળતર આપવામાં આવે તે માટે સરકાર પક્ષે પીડિત સહાય યોજના અંતર્ગત વળતરની પણ માગ કરી છે. બીજી તરફ બચાવપક્ષે ઓછી સજાની માંગ સાથે વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ કેસમાં IPC કલમ 376(1), 376(2)(F) અને 379 હેઠળ ગુનો નોંધાયો છે અને કોર્ટ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.